રાજકોટ જિલ્લામાં હવે સિંહ અને દીપડાની અવર-જવર રહેશે જ!
જિલ્લા વન વિભાગે ગ્રામ્ય વિસ્તારો, વાડી-સીમમાં રહેતા લોકો માટે પૂરજોશમાં ‘અવેરનેસ’ કાર્યક્રમો શરૂ કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ અર્ધા રાજકોટ જિલ્લાનાં જુદા જુદા તાલુકાના વિસ્તારોને રાજય સરકાર દ્વારા બૃહદ ગીર તરીકે જાહેર કર્યા છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડા સાંગારી, જસદણ, વિંછીયા અને રાજકોટ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર સિંહ અને દીપડાની સતત અવર જવર થઈ રહી છે.
આથી ઉપરોકત તાલુકાનાં વિસ્તારોનો બૃહદ ગીરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ઉપરોકત વિસ્તારના ગ્રામ્ય પંથક તથા વાડી અને સિમ વિસ્તારમાં લોકોને સિંહ અને દીપડાથી રક્ષર મળી રહે તથા આવા જંગલી પ્રાણી સાથે કઈ રીતે સાનુકુળતા સાધી શકાય અને કંઈ કઈ તકેદારી રાખવી તે વિષે હવે જિલ્લા વન વિભાગ, દ્વારા ઉપરોકત વિસ્તારના લોકો માટે હવે પુરજોશમાં ‘અવેરનેશ’ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
વન વિભાગની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાનાં ઉપરોકત વિસ્તારોમાં ખાસ કરીને ગામડાઓ અને વાડી-સીમ વિસ્તારમાં રહેતા લોકોને સિંહ દીપડા વર્ષે વિશેષ જાણકારી આપી અને કયા કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે. વન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સતત અવર જવર કરતા અંદાજે 14 દીપડા અને 8થી 10 સિંહો છે.
હવે જયારે સરકારે ઉપરોકત તાલુકાઓનો બૃહદ ગીરમાં સમાવેશ કર્યો છે. આથી અત્રે હવે સિંહ-દીપડાની સતત અવર જવર રહેવાની જ છે. અને લોકોએ પણ આવા સિંહ-દીપડા વચ્ચે રહેવા માટે અનુકુળ થવું પડશે. આથી જનજાગૃતિ ખાસ આવશ્યક બાબત છે.
વન વિભાગનાં સૂત્રો એવું પણ જણાવે છે કે જો સિંહ કે દીપડા માનવ ઉપર હુમલો કરે તો તેવા કિસ્સામાં જ તેને પાંજરે પુરી શકાય. પરંતુ તેની માનવને કોઈ રંજાડ ન હોય તો બૃહદ ગીરનાં કારણે સિંહ-દીપડાને પાંજરે પૂરી શકાય નહીં, આથી હવે ઉપરોકત વિસ્તારનાં લોકોએ સિંહ-દીપડા વચ્ચે રહેવાની અનુકુળતા રાખવી પડશે.