ભાવનગરના આરોપીએ 20 વર્ષ 9 માસ, રાજકોટના આરોપી 15 વર્ષની સજા ભોગવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીઓએ સારી વર્તણૂક અને પૂરી સજા ભોગવ્યા બાદ સજા માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગરની હત્યાના ગુનામાં 20 વર્ષ 9 માસની સજા ભોગવનાર કેદીને તેમજ રાજકોટના હત્યાના ગુનામાં 15 વર્ષની સજા ભોગવનાર બે કેદીઓને આજે સજા માફીનો લાભ મળ્યો છે અને બંને આજે જેલમુક્ત થયા છે.
રાજકોટ જિલ્લા જેલવડા શિવમ વર્મા, જેલર બી બી પરમાર સહિતનાઓએ આજે રાજકોટ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે કેદીઓને રાજ્ય સરકારની સૂચનાથી સજા માફીનો લાભ આપી મુક્ત કર્યા છે ભાવનગર સેસન્સ કોર્ટએ હત્યા અને સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપી ભીખાભાઇ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાતિને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો ભીખાભાઇએ 20 વર્ષ 9 મહિના અને 1 દિવસ સજા જેલમાં ભોગવી હોય તેમજ રાજકોટના હત્યાના ગુનામાં રાજકોટ સેસન્સ કોર્ટએ ઓધવજીભાઈ હરજીભાઈ અઘેરાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હોય તેમણે 15 વર્ષ અને 17 દિવસની સજા ભોગવી હોય બંનેને રાજ્ય સરકારે સજા માફીનો લાભ મળતા આજે બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. 1998માં ભાવનગર જિલ્લામાં હત્યાને અંજામ આપનાર ભીખાભાઇએ જણાવ્યું હતું કે મે જેલમાં રહીને ગાયોની સેવા કરી છે હવે કોઈ એક ફડાકો મારે તો હું બીજો ગાલ ધરી દઇશ પણ કોઈ સાથે ઝઘડો નહીં કરું અને કોઈ ગેરપ્રવૃતિ નહીં કરી અને અમે સરકારનો આભાર માનીએ છીએ.