બેઠકમાં મંદિર, સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશે વિસ્તૃત માહિતી અપાઈ
બેઠકમાં 7 ઠરાવને બહાલી અપાઈ: ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશ ઉકાણી સંભાળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 40 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ મીટીંગનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તા. 3-11-2023ની બેઠકની કાર્યવાહી નોંધ એજન્ડા સાથે મોકલવામાં આવી હતી જે નોંધ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા વંચાણે લેવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે આ કાર્યવાહી અંગે કોઈ સભ્ય તરફથી પ્રશ્ર્ન કે સૂચન રજૂ થયા ન હતા તો આ કાર્યવાહી નોંધને બહાલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વધુમાં ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો એજન્ડા સાથે દરેક ટ્રસ્ટીઓને મોકલવામાં આવ્યા, જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે ટ્રસ્ટી દિલીપભાઈ ધરસંડિયા દ્વારા ઉમિયા પરિવારની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાનું સૂચવવામાં આવ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો યોગ્ય જણાતા હોઈ સર્વાનુમતે મંજૂર કરવામાં ઠરાવવામાં આવ્યું છે.
વધુમાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મંદિર સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાવા માટે 9 અરજી આવી છે. જે વંચાણે લઈ સંસ્થાના વખતોવખતના નિયમોનું તથા બંધારણની જોગવાઈનું પાલન કરવાની શરતે આવેલી અરજીઓને મંજૂર કરવાનું તથા નિયમ મુજબ દાતા ટ્રસ્ટી તરીકે મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. જેમાં ખીમજીભાઈ જી. કુંડારિયા, પ્રવિણભાઈ પોપટભાઈ પાડલિયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કોરડિયા, પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા, બાબુભાઈ જમનાદાસ પટેલ, જલ્પાબેન કરશનભાઈ આદ્રોજા, નીકીબેન દીપકભાઈ વાછાણી, પ્રફુલ્લાબેન રમેશભાઈ રાણીયા તેમજ મંદિર સંસ્થાના નિયમ અનુસાર ટ્રસ્ટીઓની મહત્તમ વયમર્યાદા 75 વર્ષ નક્કી થઈ છે જેમાં વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જયંતિભાઈ બી, કાલરિયા, નરસિંહભાઈ એસ. માકડિયા, ધનજીભાઈ એ. માકાસણા, પરસોત્તમભાઈ કે. ફળદુ આ ટ્રસ્ટીઓને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓ નિયમ અનુસાર નિવૃત્ત થાય છે અને વર્ષ 2024માં 75 વર્ષ પૂર્ણ કરતાં ટ્રસ્ટીઓ જેરામભાઈ જી. વાંસજાળિયા, રમણીકભાઈ કે. ભાલોડિયા જે ઓગસ્ટ 2024માં 75 વર્ષ પૂર્ણ કરે છે તેઓની વયમર્યાદા પૂર્ણ થયે તેઓ ઓગસ્ટ 2024માં નિવૃત્ત થશે. ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીઓ પૈકી જેરામભાઈ નિવૃત્ત થયે તેમનો પ્રમુખનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સંભાળશે.
વધુમાં મંદિર સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશેષ યોગદાન યોજના અંગેની વિસ્તૃત માહિતી મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. સમૃદ્ધિ યોજના અંગેની ચર્ચામાં નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા વિગેરેએ ઉપયોગી સૂચનો કર્યા અને ચર્ચાના અંતે સમૃદ્ધિ યોજના-3ના દરેક પ્રોજેક્ટ માટે ‘ઉમા રત્ન’ યોજનાની સમિતિ બનાવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે તથા ઉમિયાધામ સિદસર ખાતે બિરાજમાન ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 2024માં શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવના આયોજન અંગેની ચર્ચામાં દિનેશ દેલવાડિયા, જગદીશભાઈ કોટડિયા, ચિમનભાઈ સાપરિયાએ વિસ્તૃત કરી હતી. જાન્યુઆરી માસમાં મહોત્સવનું આયોજન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ ભલાણી સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્થાની કામગીરીમાં સક્રિય રહી શક્યા નથી તથા મીટીંગમાં સતત ગેરહાજર રહ્યા છે જેથી તેમને કાયમી ટ્રસ્ટીમાંથી રદ કરી દાતા ટ્રસ્ટી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ 75 વર્ષની વયમર્યાદાને લીધે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ટ્રસ્ટીઓનું માન-સન્માન જળવાય અને તેમના દ્વારા આપવામાં આવતી સામાજિક સેવાની નોંધ લઈ તેમનો સન્માન સમારંભ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટી પ્રકાશભાઈ વરમોરા દ્વારા વર્ષ 2047માં કડવા પાટીદાર સમાજને કેવો બનાવવો જોઈએ? તે અંગે ચર્ચા કરાઈ, દાતા ટ્રસ્ટી કે. જી. કુંડારિયા તરફથી સમાજના યુવા વર્ગને ધંધા-ઉદ્યોગ-સમાજ સાથે જોડવા તથા સાચી દિશા અને માર્ગદર્શન આપી મોટિવેટ કરવા દ્વારા સૂચન અને અંતમાં મીટીંગના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની મીટીંગમાં થયેલ ચર્ચા-વિચારણા તથા કરવામાં આવેલ નિર્ણયોની અમલવારી માટે સૌના તથા સમાજના સહયોગ સાથે આગળ વધવાનું તથા ડિસેમ્બર 2024માં માતાજીના શતાબ્દી મહોત્સવમાં સૌનો સહકાર અને સહયોગ મેળવી ભવ્ય ઉજવણી કરવા અપીલ કરવામાં
આવી હતી.