PM મોદીએ પોલીસને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા કહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે નવા ક્રિમિનલ જસ્ટિસ કાયદાઓ નાગરિકો પ્રથમ, સન્માન પ્રથમ અને ન્યાય પ્રથમની ભાવના સાથે ઘડવામાં આવ્યા છે અને હવે પોલીસે ડંડા કરતા ડેટા પર વધારે ભાર આપવો જોઇએ. ડિરેક્ટર જનરલ્સ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ્સ ઓફ પોલીસની 58મી કોન્ફરન્સને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન રાખવા કહ્યું હતું જેથી સુનિશ્ચિત કરી શકાય કે મહિલાઓ ગમે ત્યાં અને ગમે ત્યારે કોઇપણ પ્રકારના ભય વિના નિર્ભીક રીતે કામ કરી શકે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે નવા ક્રિમિનલ કાયદા નાગરિકો પ્રથમ, સન્માન પ્રથમ અને ન્યાય પ્રથમની ભાવનાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા છે અને હવે પોલીસે ડંડાની જગ્યાએ ડેટા સાથે કામ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સંસદે તાજેતરમાં જ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કાયદાઓ ઘડયા છે. આ કાયદાઓ ઇન્ડિયન પીનલ કોડ-1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર-1898 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872નું સ્થાન લીધું છે. વડાપ્રધાને કહ્યું હતું કે આ નવા કાયદાઓ ભારતના ક્રિમિનલ જસ્ટિસ તંત્રમાં દૃષ્ટાંતરૂપ પરિવર્તન છે. મહિલાઓ અને ક્ધયાઓને કાયદા હેઠળ તેમને અપાયેલા અધિકારો અને સંરક્ષણ વિશે સંવેદનશીલ બનાવવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
વડાપ્રધાને અરબ સાગરમાં અપહરણ કરાયેલા કાર્ગો શિપને સમુદ્રી લુંટારુંઓ પાસેથી મુક્ત કરાવવાના ભારતીય નેવીના અભિયાનને વીરતાપૂર્ણ ગણાવ્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં ભારતના પહેલા સોલર મિશન આદિત્ય એલ1નની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ભારતની શક્તિ અને ભારતીય વિજ્ઞાનીઓની શક્તિનો પુરાવો છે. ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અપહ્યત જહાજના તમામ 21 સભ્યોને બચાવ્યા હતા.