જાણીતા વરિષ્ઠ શાસ્ત્રીય ગાયિકા ડો. વિરાજ અમર ભટ્ટએ શાસ્ત્રીય કંઠ્ય સંગીત રજુ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચાલી રહેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસીય શાસ્ત્રીય સંગીત અને કલા આધારીત રંગારંગ મહોત્સવ સપ્ત સંગીતિ-2024 ના ત્રીજા દિવસને પંડિત રાકેશ ચૌરસિયાજીના બાંસુરી વાદનના અભિભૂત કરતા કાર્યક્રમે શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં જાણે દિવ્ય માહોલ સર્જ્યો હતો. પં. રાકેશ ચૌરસિયાજીએ શ્રોતાઓને વાંસળીના સુરના પુરમાં તરબોળ કર્યા હતા. કાર્યક્રમની શરુઆત ત્રીજા દિવસના કાર્યક્રમના પેટ્રન ઓરબીટ ઇન્ડિયા પ્રા. લિ. ના ડિરેક્ટર્સ વિનેશભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, પંકજભાઈ પટેલ અને શુભેચ્છક ડો. ચૈતાલી દેકેવાડીયા રાણા અને ડો. ઇન્દ્રજીત રાણાના હસ્તે દિપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના માસ્ટર ઓફ સેરેમનીની જવાબદારી નીઓ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રી દિપકભાઇ રીંડાણીએ નીભાવી હતી.
સપ્ત સંગીતિના ત્રીજા દિવસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર, પં.હરિપ્રસાદજીના પટ્ટશિષ્ય અને ભત્રીજા, સૂરમણિ પં. રાકેશ ચૌરસિયાજીનુ બાંસુરી વાદન રજુ કરાયું હતું. મહિયર ઘરાનાના પં. રાકેશજી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત ઉપરાંત આજની યુવા પેઢીને આકર્ષતા ફ્યુઝન મયુઝીક દ્વારા દેશ અને પરદેશના યુવાનોને તેમના સંગીતનું ઘેલુ લગાડયું છે. તેમણે સંગીત નાટ્ય અકાદમી સહિતના ઘણા નામી એવોર્ડ હાંસલ કર્યા છે. વાંસળી સાથે એની મીઠાશની બરાબરીમાં ઉતરે એવા તબલાવાદન પર તેમની સંગત કરી હતી. રાકેશજી સાથે રાજકોટના કલાકાર અને રાકેશજીના શિષ્ય ચેતન રાઠોડને બાંસુરી વાદનમાં સહાયક કલાકાર તરીકે તેમના ગુરુ સાથે મંચ પ્રસ્તુતી કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો.
પર્ફોર્મન્સની શરુઆત બાંસુરી વાદક પંડિત રાકેશ ચોરસીયા દ્વારા રાગ જોગ કૌંસ રૂપકતાલમાં પેશ કરી કરવામાં આવી હતી. તેમની સાથે રાજકોટના યુવા કલાકાર ચેતન રાઠોડ સહાયક બાસુરી વાદક તરીકે જોડાયા હતા. ત્યારબાદ રાગ હંસધ્વનિની અદભુત પેશકશ શ્રોતાઓના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. જાણે નદીના વહેણમાંથી ખડખડતું પાણી પસાર થતું હોય તેમ તેમની બાંસુરીમાંથી સુરનો પ્રવાહ શ્રોતાઓને સતત ભીંજવતો રહ્યો હતો. તેમાં પણ સુર અને તાલની જુગલબંધી તો અજોડ, અદભુત અને અકલ્પનીય હતી. તબલા અને બાંસુરીની જુગલબંદી પછી શ્રોતાઓના તાલીઓના ગડગડાટ સાથેના સ્ટેન્ડીંગ ઓવેશનથી કલાકારો પણ ખુબ અભિભૂત થયા હતા. ત્યારબાદ શ્રોતાઓની ફરમાઈશ પર રાગ ભૈરવીમાં સુંદર રાગમાળા પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના પ્રથમ ચરણમાં ગુજરાતની પ્રતિભાઓને મંચ પૂરો પાડવાની નીઓ રાજકોટ ફાઉન્ડેશનની નેમના ભાગરુપે ગુજરાતના વરિષ્ઠ શાસ્ત્રીય ગાયિકા તરીકે નામના ધરાવતા ડો. વિરાજબેન અમર ભટ્ટનું શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરાયું હતું. વિરાજજી સાથે હાર્મોનિયમ ઉપર રાજકોટના આશાસ્પદ યુવા કલાકાર પલાશ ધોળકીયા, સારંગી સંગત ભારતના ખ્યાતિપ્રાપ્ત અને પ્રતિષ્ઠિત સારંગી વાદક અલ્લારખા કલાવંતે અને રાજકોટના જાણીતા કલાકાર નિરજ ધોળાકીયાએ તબલા ઉપર સંગત કરી હતી. વિરાજ અમર ભટ્ટ એ રાગ જય જયવંતીમા વિલંબિત ખયાલ પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ તેમના ગુરુ પંડિત રાજન મિશ્રાએ રચેલી અને તાલબદ્ધ કરેલી બંદિશ “એસો નવલ લાગે રે રાધા” મધ્ય લય તીન તાલમાં પેશ કરી હતી. ત્યારબાદ ચારુંકેશી રાગમાં ઘરે ધ્યાન ગુરુ ચરણ કો ભક્તિમય રજૂઆત કરી હતી.