મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ,લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ
પ્રિય જિંદગી…
ત તું વહેલી પરોઢે કોળેલું એ સપનું છે કે આંખ ખૂલતાં જ જેની ઉપર ચમકદાર ઝાકળની ચાદર પથરાયેલી હોય. પછી એક એક મોતી વિણતું જવાનું… ખોબો ભરાય, ફાંટ ભરાય, મન અને હૈયું પણ તરબતર થઈ જાય છતાંય મોતીઓ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો જ ના થાય. તું મારે મન મેં વિણેલાં પ્રેમના એ બધાજ મોતીઓનો નવશેરો હાર છે જેનો સ્પર્શ માત્ર મને મૂળમાંથી સજીવન બનાવી મૂકે છે… તું મારા આત્માના ઝરુખે પ્રગટતો એ દીવો છે જે સતત પ્રજ્વલિત જ રહ્યા કરે છે. મને વિસ્મયની દુનિયા દેખાડનાર અને દુનિયદારીના પાઠ શીખવનાર તું મારી કેડી છે. હું સતત તારામાં રહીને, ભળીને, ઓગળીને કૈંક નવું શીખતો રહું છુ. કદાચ એ જ તારું આગવું પ્રદાન છે. તું સપનાની વચ્ચે રહેતું નવીનતાનું એ મધ્યબિંદુ છે કે હું ત્યાં પહોંચ્યા પછી સતત તને જ સપનામાં નિહાળું છું… તારો હાથ અને તારો સાથ મારા જીવતરની સાચી પૂંજી છે એ વાતનો અહેસાસ મને સતત થયા કરે છે ત્યારે હું કંઈ પણ વિચાર્યા વગર તારામાં ખોવાઈ જાઉં છું… લીન થઈ જાઉં છું… કેમકે હું જાણું છું તારો સંગાથ મને તારી જ દેશે… ડૂબકી લગાવવા કરતાં ભૂસકો મારવાનો આનંદ અપાર હોય છે એ વાત મને તારા પ્રેમ દ્વારા જ ખબર પડી છે. તું મારાં બધાં જ પત્રોની સુંવાળી સુવાસ છે. હું તને આલેખી, તારું સ્મરણ કરીને અંદરથી વિકસતો જાઉં છું. તને શબ્દસ્થ કરવાથી તું મને કંઠસ્થ અને હૃદયસ્થ પણ થતી જાય છે, કારણ કે તારી ભીતર રહેલો જાદુ મને સતત તારા આલેખનની પ્રેરણા આપતો રહે છે. ફાનસના ઝાંખા અજવાળામાં તારો સ્પષ્ટ ચહેરો જોઈ હું તને અને તારા રૂપને મારાં હૃદયમાં ભરવાના પ્રયત્નો કરું છું. દિલને ઝંકૃત કરતો આપણો આ નેહ મારી ભીતર અકબંધ જળવાઈ રહે અને હું એમાં સતત રમમાણ રહી શકું એ માટે આ બધું ચિતરામણ કરતો રહું છું. તું મારાં સપનાઓની એવી લકીર છે કે જે ક્ષણે ક્ષણે લંબાતી જાય છે. હું તારી પાસેથી જ તો અનંતતાની વ્યાખ્યા પામ્યો છું. હવે ક્યારેય ખંડિત થવા નથી માગતો. હું વારંવાર તને ઘૂંટી રહ્યો છું કારણ કે સતત તને ઘૂંટવાથી મને મારાં હોવાપણાનો સાચો અહેસાસ થાય છે. જીવાતા જીવનના આ મૂકામ પર હું આંખ ખોલીને જોઉં છું તો મને ટોચ પર પહોંચેલો દેખાઉં છું. દુનિયા સાવ નાની લાગે છે. મારી આખી સૃષ્ટિ તારી આસપાસ શેષનાગ જેમ વીંટળાઈ રહી છે જેનો મને ખૂબ જ ગર્વ છે. તું મારાં શ્વાસના સરવાળા કરીને મને જીવાડતી જાય છે અને મને આ દુનિયા જીવવા જેવી લાગ્યાં કરે છે. સર્વ દિશાઓ સમૂહગાન કરીને આપણાં પ્રેમનો પડઘો પાડી રહી છે… જિંદગી! હું સતત તને જીવ્યાં કરું છું…
સતત તને શ્વસતો…
જીવ…
(શીર્ષકપંકિત:- સંજુ વાળા)