પશ્ચિમ રાજકોટના વિકસીત છેડે હવે મુંબઇ જેવી ઇમારતોનું નિર્માણ, સવાસો મીટરની ઊંચાઇના પ્લાન મંજૂરી માટે રાજય સરકારમાં રજૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ સમીટની તડામાર તૈયારી થઇ રહી છે અને દેશ-વિદેશ સાથે પૂરા રાજયમાંથી પણ નવા રોકાણના એમઓયુ થઇ રહ્યા છે ત્યારે રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રેએ પૂરા રાજયની સૌથી મોટી છલાંગ લગાવી છે. રાજકોટના બે પ્રતિષ્ઠિત બિલ્ડર ગ્રુપ એકમ ગ્રુપ અને ઓરબીટ રોયલ ગાર્ડન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રના સૌપ્રથમ 40-40 માળના બે ટોલ બિલ્ડીંગના 2500 કરોડના પ્રોજેકટના એમઓયુ કરવામાં આવ્યા છે.
રાજય સરકાર વતી રાજકોટથી મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલે આ એમઓયુ કર્યા છે. મુંજકામાં કોસ્મોપ્લેક્ષ પાછળના રોડ પર અને મોટા મવામાં આ બે ગગનચુંબી અને મુંબઇ, સિંગાપુર જેવા પ્રોજેકટ બનવાના છે. જેના પ્લાન બંને કંપનીઓએ રાજય સરકારને સુપ્રત
કર્યા છે.
શાપર વેરાવળ ખાતે જુદા જુદા રોકાણો અંગેના કરાર કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા 40-40 માળના બે ટોલ બિલ્ડીંગના પ્રોજેકટ બનાવવાના કરાર કરી સરકારને મોકલવામાં આવ્યા છે. આ બંને બિલ્ડર ગ્રુપે પૂરા રાજયમાં રીયલ એસ્ટેટમાં આ વર્ષે ડંકો વગાડયો છે. રાજયમાં આ વર્ષે આ સૌથી મોટો ક્ધસ્ટ્રકશન પ્રોજેકટ રકમની દ્રષ્ટિએ મુકવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પો.એ પણ રીયલ એસ્ટેટમાં 1 હજાર કરોડનો પ્રોજેકટ મૂકયો છે.
રાજકોટના પહેલા 40 માળના પ્રોજેકટ મુંજકા અને મોટા મવામાં બનવાના છે. મુંજકાના પ્રોજેકટ માટે ઓરબીટ રોયલ ગાર્ડન ગ્રુપ વતી દિલીપ લાડાણી અને વિનસ પટેલે બે હજાર કરોડના કરાર કર્યા છે. તો મોટા મવામાં એકમ ગ્રુપ વતી જલેવ સોની, ભરતભાઇ સોનવાણી, નેવીલ સુબાએ 500 કરોડના એમઓયુ કર્યા છે. કોઇપણ શહેરમાં 100 મીટરથી ઉંચા ટાવરના પ્લાનની મંજૂરી રાજય સરકાર પાસે લેવાની હોય છે. આથી બંને પ્રોજેકટના પ્લાન રાજય સરકારના શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં
આવ્યા છે.
40 માળના એટલે કે 120 મીટરથી વધુ ઉંચાઇના બિલ્ડીંગ ટોલ બિલ્ડીંગની વ્યાખ્યામાં આવે છે. રાજકોટના આ પહેલા પ્રોજેકટ છે. જે હવે વાઇબ્રન્ટ સમીટમાં ડંકો વગાડવાના છે. રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કોઇ જગ્યાએ 40 માળના બિલ્ડીંગના પ્રોજેકટ હજુ સુધી બન્યા નથી. પોશ એરીયામાં આ વૈભવી ઇમારતોનું નિર્માણ થશે. અત્યાર સુધી રાજકોટમાં સૌથી ઉંચુ બિલ્ડીંગ 22 માળનું બનેલું છે. હવે પશ્ચિમ રાજકોટના સૌથી વિકસીત છેડે મુંબઇ અને સિંગાપુર પ્રકારના ટોલ બિલ્ડીંગના નિર્માણ શરૂ થવા જઇ રહ્યા છે તે ઉલ્લેખનીય છે.