પ્રજાજનોની સુવિધા અને સુરક્ષામાં વધારો થતાં પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ લોધિકા, કોટડાસાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ-રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી તેમજ સ્થાનિકે વાહનોની અવર-જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી અને આ રસ્તાઓ રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલના મુખ્ય માર્ગોને જોડાતા હોવાથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નિસિંગ, નાળા કામ રીપેરીંગ કરવા મંત્રીભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમના મતવિસ્તારના પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતું માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીના ધ્યાને મુકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા મહિલા ધારાસભ્યોને વિકાસના કામો સારી રીતે થાય તે માટે વધુ 1.25કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ હતી એ ગ્રાન્ટનો લોકસુખાકારી માટે ઉપયોગ કરતા ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટ તાલુકાના સ્ટાર લાઈફ સોસાયટીથી ન્યારીડેમ સુધી અંદાજિત (0.35 કિ.મી) તેમજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરાથી પ્રાકૃતિક ફાર્મને જોડતો રસ્તો અંદાજિત (2કિ.મી)ના રસ્તાઓ માટે રૂ.125.00 લાખ મંજુર કરવામાં આવ્યા છે તેમજ મુખ્યમંત્રીએ હંમેશા વિકાસની નેમ સાથે પ્રજાજનો સુખાકારીમાં વધારો કરવા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નવીમેંગણી, થોરડી, ચાંપાબેડા, કાલંભડી, નોંધણચોરા, અનીડા-વાછરા રોડનો અંદાજિત (14.90 કિ.મી) તેમજ રાજકોટ તાલુકામાં કસ્તુરબાધામ (ત્રંબા)-ઢાઢણી, ઢાંઢીયા-હડમતિયા-બોઘરાવદરનો અંદાજિત (5.20 કિ.મી) એમ કૂલ 20.10 કિ.મીના રસ્તાનાં નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફર્નિસિંગ, નાળા કામ રીપેરીંગ કરવામાટે રૂ.1060.00 લાખ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યા છે.
આમ કુલ રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે અંદાજિત 23 કિ.મીના રસ્તા માટે કૂલ રકમ રૂ.1185.00 લાખ મંજૂર કરવામાં આવેલ છે. આ રસ્તાના કામોથી રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલના મુખ્ય માર્ગોને જોડતા આ માર્ગની આસપાસના આજુબાજુના ગામડાઓને આનો લાભ મળશે. તેમજ પ્રજાજનોએ આ મંજુરી મળતા હર્ષની લાગણી અનુભવી હતી. ઉકત મંજુરી મળતા મંત્રીભાનુબેન બાબરીયા સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.