ખેલકુદ હોય કે રાજકારણ સન્માનપુર્વક હારવાની અને જીતની આદત કેળવવી જરૂરી: ગૃહમંત્રી
મોદી રાજનીતિનું શુદ્ધિકરણ અને ખેલકુદનું સુદ્રઢીકરણ કરી રહ્યા છે: અમિતભાઈનો જબરો કટાક્ષ
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપના પ્રારંભીક તથા ફાઈનલ મેચનું યજમાન બનવાનું બહુમાન મેળવનાર નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તથા તેને આવરી લેતા સમગ્ર સરદાર પટેલ કોમ્પ્લેકસનું આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલકુદ કોમ્પ્લેકસ તરીકે વિકાસ થઈ રહ્યો છે અને આગામી સમયમાં આ સ્પોર્ટસ કોમ્પ્લેકસ પુર્ણ થયા બાદ વિશ્વકક્ષાની તમામ ખેલકુદ સ્પર્ધાઓનું યજમાન બની શકશે. ગઈકાલે ગૃહમંત્રી અમીત શાહે સાંસદ ખેલ પ્રતિયોગીતા ને ખુલ્લુ મુકતા જણાવ્યું કે 2036ની ઓલિમ્પીક ગેઈમ્સ માટેની ભારતની બીડ સ્વીકારાશે.
તો 2036ના ઓલમ્પીક ખેલ આ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં યોજાશે. શ્રી શાહે જણાવ્યું કે સરકારે આ વિશાળ સ્પોર્ટસ કોમ્પ્લેકસ માટે રૂા.4600 કરોડ ફાળવ્યા છે અને અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટસ કોમ્પ્લેકસનું પણ રૂા.600 કરોડના ખર્ચે વિકસીત કરીને વિશ્વકક્ષાનું બનાવાશે. શ્રી શાહે જણાવ્યું કે ગુજરાત સહિત ખેલકુદને પ્રોત્સાહીત કરવા ગુજરાત સરકાર પણ મોટા બજેટ ફાળવી રહી છે. હાલના વડાપ્રધાન શ્રી મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓએ શાળા કક્ષાએ જ ખેલકુદને પ્રોત્સાહીત કરવા ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવ્યો હતો અને તેના કારણે અનેક રમત ગમતને રાજયને પ્રતિભાવંત ખેલાડી મળ્યા છે.
શ્રી શાહએ તેમના મતક્ષેત્ર ગાંધીનગરમાં સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા તમામ સાંસદોને તેમના ક્ષેત્રમાં રમતગમતને પ્રોત્સાહીત કરવા અનુરોધ કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું કે ખેલકુદની ખેલદિલીની ભાવનાને વેગ મળે છે અને જેમાં ખેલકુદ હોય કે રાજકારણ ખરાબ દેખાવ કરનારમાં ખેલદીલીની ભાવના હોતી નથી. શ્રી શાહે વિપક્ષો પર આડકતરો ટોણા આપતા કહ્યું કે સન્માનપૂર્વક હારવું અને જીતની આદત કેળવવી તે આપણને ખેલકુદ શિખવે છે.લગભગ દોઢ માસ ચાલનારા આ ખેલ મહોત્સવના ફાઈનલ સમયે પણ ખેલાડીઓ વચ્ચે આવવા શ્રી શાહે ખાતરી આપી હતી.