રાણપર ગામના પાટિયા પાસેથી પિકઅપ વાનમાંથી 100 પેટી વિદેશી દારૂ ઝડપાયો:
બે આરોપીઓની કબૂલાત બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોટીલાના ધુના ગામે ત્રાટકી વધુ 296 દારૂની પેટી સહિત કુલ રૂ. 41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર રોડ પરથી કુવાડવા ચોકડી તરફ દારૂ ભરેલો મહિન્દ્રા કંપનીનો બોલેરો પિકઅપ આવી રહ્યો છે જેથી બાતમીના આધારે રાણપર ગામ પાસે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવી બોલેરો પિકઅપને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી 100 પેટી દારૂ મળી આવ્યો હતો અને નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા અને મહેન્દ્રભાઈ દિનેશભાઈ પરમારની અટકાયત કરી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોટીલા પાસે આવેલા ધુના ગામની સીમમાંથી દારૂનો જથ્થો લઈ આવ્યાની કબુલાત આપતાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાંથી વધુ 299 પેટી સહિત કુલ રૂા. 32 લાખનો મુદામાલ કબ્જે કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે એસીપી ક્રાઈમ ડી. વી. બસીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એએસઆઈ આર. કે. જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે વાંકાનેરથી કુવાડવા ચોકડી તરફના રસ્તે બોલેરો પિકઅપમાં દારૂ આવી રહ્યો છે જેથી આર. કે. જાડેજા સહિતના સ્ટાફે કુવાડવા ચોકડી પાસે આવેલા રાણપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી વાંકાનેર તરફથી આવતા મહિન્દ્રા કંપનીના બોલેરો પિકઅપને અટકાવી તેની તલાશી લેતાં મેકડોવેલ્સ નં. 1 સુપ્રીયર વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ. 1200 જેની કિંમત રૂા. 4,80,000, બોલેરો પિકઅપ વાન જેની કિંમત 4,00,000, બે મોબાઈલ કિંમત રૂા. 10,000 મળી કુલ રૂા. 8,90,000નો મુદ્દામાલ કબ્જે કરી બોલેરો પિકઅપમાં રહેલા નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ દિનેશભાઈ પરમારની અટકાયત કરી દારૂ કઈ જગ્યાએથી લાવ્યાનું આગવી ઢબે પૂછપરછ કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે ધુના ગામની સીમમાંથી દારૂ લાવ્યા હોવાની બંને આરોપીઓએ કબૂલાત આપ્યાના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધુના ગામની સીમમાં ત્રાટકી ત્યાંથી મેકડોવેલ્સ નં. 1ની વધુ 3552 બોટલ જેની કિંમત રૂા. 14,20,800, એક ટ્રક જેની કિંમત રૂા. 10 લાખ, એક ટ્રેકટર ટ્રોલી સાથે જેની કિંમત રૂા. 3 લાખ, ઈનોવા કાર જેની કિંમત રૂા. 5 લાખ અને એક મોબાઈલ મળી કુલ રૂા. 32,21,300નો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.