-તેના તથા ચાર સાથીઓના મોબાઈલ સળગાવી દીધા હોવાનો દાવો
સંસદભવનની સુરક્ષામાં છીંડા પાડીને લોકસભા ગેલેરીમાંથી ગૃહમાં કુદકો મારી સ્મોક સ્ટીકની જબરી અફડાતફડી સર્જાવાની ઘટનાના માસ્ટર માઈન્ડ લલિત ઝાએ ગઈકાલે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ (સરન્ડર) કરતા હવે તપાસમાં ગતિ આવશે. આ ઘટના સમયે સંસદભવનના પ્રાંગણમાં પણ તે મોજૂદ હતો અને ભવન બહાર જે રીતે તેના બે સાથીદારોએ સ્મોક સ્ટીકની ગુલાબી રંગના ધુમાડા છોડી સુત્રોચ્ચાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું
- Advertisement -
તે સમયે લલિત ઝાએ તે દ્રશ્યોના વિડીયો ઉતારી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરી નાસી છુટયો હતો. લલિત ઝાએ આ મુદે તેના તમામ ચાર સાથીદારોના મોબાઈલ પણ પોતાની પાસે લઈ લીધા હતા અને ગઈકાલે પોલીસના જણાવ્યા મુજબ તે આ ઘટનાથી બાદ દિલ્હીથી રાજસ્થાન ભણી નાસી છુટયો હતો અને તમામ ફોન પણ સળગાવી દીધા હતા. એક તરફ પોલીસ લલિત ઝાને ઝડપવા માટે અનેક રાજયોમાં દરોડા પાડી રહી હતી તે સમયે તે ખુદ રાજસ્થાનથી દિલ્હી પરત આવીને પાટનગરના કર્તવ્ય માર્ગે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. જો કે હજુ સુધી તેના કોઈ સંગઠન કે રાજકીય પક્ષ સાથે જોડાયા હોય તેવા પુરાવા મળ્યા નથી
પણ આ ઝડપાયેલા પાંચ ઉપરાંત હજું વધુ લોકો આ પ્રકારે સંસદ પર હુમલામાં સંડોવાયેલા હોય તેમ મનાય છે. પોલીસના જણાવ્યા મુજબ તે મહેશ નામના એક વ્યક્તિની ભૂમિકા પણ ચકાસી રહી છે. જેણે નાગોરમાં લલિતને આશરો આપ્યો હતો. પોલીસ હવે સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનું કામ શરુ કર્યુ છે કે આજે લલિતને પણ રીમાન્ડ પર લેવાશે. પોલીસને આ અંગે મહેશ દુધાવતને પણ કસ્ટડીમાં લીધો હોવાના અહેવાલ છે. મહેશ પણ ભગતસિંહ ફેન ગ્રુપનો સભ્ય છે.
લલિતને શરણ આપનાર મહેશની પણ ધરપકડ: બન્ને સાથે દિલ્હી આવ્યા હતા
દિલ્હી પોલીસે લલિત ઝાને શરણ આપનાર મહેશ તથા તેના એક સાથી કૈલાસની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીથી નાસી છુટયા બાદ લલિત સીધો રાજસ્થાનમાં તેના મિત્ર મહેશને કુચમત ગામમાં મળ્યો હતો
- Advertisement -
અને મહેશ તથા તેના મિત્ર કૈલાશ તેને એક ધાબા પર લઈ ગયા. ધાબાના માલીક મહેશને ઓળખતા હોવાથી તેઓને એક રૂમ આપ્યો હતો અને બાદમાં તેઓએ તમામના મોબાઈલ તથા આઈડી સળગાવી દીધા હતા અને તેઓ મહેશ તથા લલિત દિલ્હી પોલીસ સમક્ષ શરણે થવા પરત પાટનગર આવ્યા હતા. પોલીસે કૈલાશની ઓળખ મેળવી હોવાથી તેના ફોન ટ્રેપ કરીને તેની પાસેથી માહિતી મેળવી તે બન્ને દિલ્હી આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જયપુરથી બન્નેએ દિલ્હીની ટ્રેન પણ પકડી હતી.