નવાં એરપોર્ટને નડતરરૂપ મકાનો તોડાશે, વિન્ડમિલ માટે અન્યત્ર જમીન ફાળવાશે: કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હીરાસર એરપોર્ટના રન વેનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે એરપોર્ટ માટે નડતરરૂપ બની શકે તેવી પવનચક્કીઓને ત્યાંથી હટાવવાનું નક્કી કરાયું છે. તેના માટે વૈકલ્પિક જમીનની તલાશ હાથ ધરવામાં આવનાર છે, જ્યારે હીરાસર ગામના સાતેક મકાનોને તોડી પાડીને ત્યાં વસતા પરિવારોને સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બાઉન્ડ્રી વોલ અને મુખ્ય માર્ગથી એરપોર્ટને જોડતા એપ્રોચ રોડનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ સિવાય બોક્સ ક્ધવર્ટ, લેન્ડિંગ લાઈટ્સ, લેન્ડ લેવલિંગનું કામ પણ શરૂ કરી દેવાયું છે.
આ એરપોર્ટનું કામ શરૂ થયું ત્યારથી માંડીને હજુ સુધી હીરાસર ગામનાં પુન: સ્થાપનનો મુદ્દો લટકતો જ ચાલ્યો છે. ત્યાં વસતા 20 જેટલાં પરિવારોમાંથી જેમની પાસે આધાર-પૂરાવા છે તેવા બાર- પંદરને વૈકલ્પિક જગ્યા, બાંધકામ સહાય મામલે સંપાદનની લાંબી ઔપચારિકતા જ હાથ ધરવી પડશે કે પછી તમામ વિધિ તેમની સહમતીથી પાર પડી શકશે તે અંગે હજુ દ્વિધા પ્રવર્તે છે. દરમિયાન, આજે ચિફ સેક્રેટરી પંકજકુમારે વીડિયો કોન્ફરન્સ રાખીને પ્રોજેક્ટમાં ઝડપ લાવવા ચર્ચા કરીને સૂચનો આપ્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે ગામની અંદરના પાંચ- સાત પરિવારોને હાલ રોડની ડાબી તરફ શિફ્ટ કરવામાં આવશે.


