ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે લેવાયો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે જોખમ રૂપ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા જરૂરી છે. ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારની ખુલ્લા કુવા પારાપેટ વોલ બાંધી સુરક્ષીત કરવા અંગેની યોજના હેઠળ 90 % સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે ખેડૂતોને અપિલ કરવામાં આવે છે.
- Advertisement -
વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારમાં ખેડુતોને પાક રક્ષણ માટે ઇલેક્ટ્રિક શોક ન મુકવા માટે વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોકના કારણે વન્ય પ્રાણીઓની સાથે-સાથે ઘણી વખત તેમના કિંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ બનવાનાં બનાવો સામે આવ્યા છે. જેથી ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક ન મુકવા માટે પણ જણાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં એશિયાઇ સિંહનું અકમાત્ર નિવાસ સ્થાન ગીર છે, ગુજરાતનું ગૌરવ સમા એશિયાઇ સિંહો સૌરાષ્ટ્રના 20000 ચોરસ કી.મી. વીસ્તારમાં મુક્તપણે પરીભ્રમણ કરી શકે છે, જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના વસ્તીમાં વધારો નોંધાયો છે.
ગીર જંગલ માત્ર પારસ્પરીક મહત્તા નથી ધરાવતું પરંતુ તે આર્થીક સામાજિક, રાજકીય અને નૈતીક મુલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હ્રદયસ્થાનમાં બિરાજે છે. જેનુ જતન કરવું તે વન વિભાગની સાથે લોકોની પણ ફરજ છે. આમ, વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોને વન વિભાગને સહકાર તથા સહાયક બનવા માટે અનુરોધ કરવામાં આવે છે જયારે રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતિય લોકો દંગા બાંધી રહેતા હોઇ છે. જે મુળ શિકારી પ્રવૃતિથી ટેવાયેલા હોઇ છે, તેવા કોઇ શંકાસ્પદ દંગાઓ કે શિકારી પ્રવૃતીઓ ધ્યાને આવે તો નજીકની વન વિભાગની કચેરી અથવા તો ટોલ ફ્રિ નંબર 1800 233 0789 અથવા 1926 પર સંપર્ક કરવા જાહેર અપિલ કરવામાં આવે છે. તેમ નાયબ વન સંરક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.