તાલાલા તાલુકા સિંચાઇ સમિતિની બેઠકમાં થયેલ નિર્ણયને ખેડૂતોએ ખુશી સાથે વધાવ્યો
કેસર કેરીના આંબા,શેરડી,કઠોળ વિગેરે ઉનાળું ફસલને મબલખ ફાયદો થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
તાલાલા પંથકના હિરણ નદીની કેનાલની સુવિધાવાળા બોરવાવ ગીર,વિરપુર ગીર,પીપળવા ગીર,ગલીયાવડ,તાલાલા ગીર,ગુંદરણ ગીર,ઘુંસિયા ગીર,ધ્રામણવા,ગુણવંતપુર સહિતના નવ ગામોને ઉનાળું ફસલ માટે કમલેશ્વર ડેમમાંથી છ પાણ આપવાનો નિર્ણય થતાં ખેડુતોમાં ખુશી જોવા મળે છે.
સિંચાઇ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલાલા તાલુકા સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી,જેમાં આ વર્ષે પણ કમલેશ્વર ડેમમાં પુરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો હોય,ઉનાળું પિયત માટે ડેમમાંથી છ પાણ આપવા ખેડુત પ્રતિનિધિઓએ માંગણી કરી હતી,જે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્વીકારી ખેડુતોની જરૂરીયાત પ્રમાણે ક્રમશ:ઉનાળું ફસલ માટે છ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાલાલા પંથકમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.આ ઉપરાંત તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ચોમાસાની વિદાય પછી પણ ઓવરફ્લો રહ્યો હોય અત્યારે ડેમ છલોછલ ભરેલો છે.આ પાણીનાં ઉપલબ્ધ જથ્થામાંથી વન્ય પ્રાણીઓ માટે જરૂરી જથ્થો અનામત રાખી તાલાલા પંથકના નવ ગામને ઉનાળું સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.આ પાણી માંથી વધુમાં વધુ 300 હેક્ટરમાં રવિ ઉનાળું સિંચાઈ થઈ શકશે પરિણામે કેસર કેરીના આંબા,શેરડી અને કઠોળ ની ફસલને ઉનાળાના કપરા દિવસોમાં જરૂરી છ પાણી મળતાં ઉનાળું ફસલને મબલખ ફાયદો થશે.આ ઉપરાંત સાસણ થી તાલાલા સુધીના હિરણ નદીના કાંઠા ઉપરનાં 20 થી 22 ગામના પાણીના તળ જીવંત રહેશે.સિંચાઇ વિભાગના અધિકારીઓએ ખેડુતલક્ષી કરેલ નિર્ણયને ખેડુતોએ આનંદ સાથે વધાવ્યો છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીઓ,તાલાલા તાલુકાના સિંચાઇ સલાહકાર સમિતિના સભ્યો તથા ખેડૂત અગ્રણીઓએ ભાગ લીધો હતો.



