ગુજરાત પુલ ધરાશાયી: આણંદ અને વડોદરા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે માર્ગ પર ટ્રાફિક અને વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો થયો છે.
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.
- Advertisement -
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી.
- Advertisement -
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.
સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ
સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.
ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી
ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા. બે પિકઅપ વાન, એક ઈકો, ટુ વ્હિલર અને ટ્રક નદીમાં ખાબક્યા હતા.
અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી: કાર્યપાલક ઇજનેર
માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાએ જણાવ્યું કે આ બ્રિજ 1985માં બન્યો હતો. અને બ્રિજની લાઇફ 100 વર્ષની હોય છે. ગયા વર્ષે માલુમ પડતાં કામગીરી કરાઇ હતી. અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા. અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું. પુલ જર્જરિત નથી, અહેવાલ આવે ત્યારબાદ કારણોની જાણ થશે.
મૃતક અને ઈજાગ્રસ્તોની યાદી
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વૈદિકા રમેશભાઈ પઢીયાર, નૈતિક રમેશભાઈ પઢીયાર, હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.32, વખતસિંહ મનુસિંહ જાદવ, પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.26, ગામ-ઉંડેલ અને 3 અજાણ્યા શખ્સના મોત નીપજ્યા છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. 45, ગામ-દરિયાપુરા, નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ, ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન, દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી, રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. 30, ગામ-દ્વારકા અને રાજેશભાઈ ઈશ્ર્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા ઈજાગ્રસ્ત છે અને તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત
ડાયવર્ટેડ કરેલ રૂટમાં તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનો માટે ઉમેટા બ્રિજ પર પ્રતિબંધ હોય વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે?: ઈસુદાન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે. સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતની જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો છે અને આ ઘટનાના કારણે બ્રિજ પરથી પસાર થતા ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે ટેક્સ જનતા ભરે છે અને આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે તમે જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો. તો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે તે નાણા તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો. અને ટેક્સના આટલા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે. જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે?