74 બુથ ઉપરથી 9068 પૈકી 8952 ભુલકાને ટીપા પીવડાવવામાં આવ્યાં:115 ટીમોએ સેવાઓ આપી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
દેશની ભાવિ પેઢીની આરોગ્ય સુખાકારી માટે પોલીયો વિરોધી રસીકરણ માટે શરૂ થયેલ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત તાલાલા પંથકના 0 થી 5 વર્ષના 8952 ભુલકાને ટીપા પીવડાવી પોલીયોથી રક્ષિત કરવામાં આવ્યાં છે.
- Advertisement -
તાલાલા તાલુકા હેલ્થ કચેરીના જણાવ્યા પ્રમાણે તાલાલા શહેર તથા આંકોલવાડી ગીર,ધાવા ગીર અને બોરવાવ ગીર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના 45 ગામો તથા ગીરના જંગલના નેસડામાં 0 થી 5 વર્ષના કુલ 9068 બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવા ઉભા કરવામાં આવેલ 74 બુથ તથા ઘરેઘરે ફરીને કુલ 8952 ભુલકાને ટીપા પીવડાવવામાં આવ્યાં હતાં.કુલ 9068 પૈકી 8952 ભુલકાઓને પોલીયો નાં ટીપા પીવડાવી તાલાલા પંથકમાં પોલીયો રસીકરણ ની 99 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ માટે 254 કર્મચારી ભાઈ બહેનોની 115 ટીમ પોલીયો રસીકરણ ની કામગીરી માં જોડાઈ હતી.તાલાલા પંથકના ભુલકાઓને પોલીયોથી રક્ષિત કરવાની કામગીરીને જબરી સફળતા અપાવવા આરોગ્ય પરિવાર દ્રારા શરૂ થયેલ સામુહિક ઝુંબેશમાં તાલુકાના 45 ગામના સરપંચો,તાલુકા પંચાયતના સદસ્યો તથા અનેક સામાજીક અગ્રણીઓ અને યુવાનો સહભાગી થયા હતા.