ગીર સોમનાથમાં ગેરકાયદે ડીઝલનો વેપલો કરતા 3 ઝડપાયા
પોલીસને વ્હોટ્સઍપ્પ હેલ્પલાઈન પર માહિતી મળી: ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગેરકાઝયદે ડીઝલના વેપાર પેઢી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર મળેલી માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 8330 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી ટીમે ઉના-ગીરગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે એક છકડા રિક્ષામાંથી 325 લીટર શંકાસ્પદ ડીઝલ મળી આવ્યું હતું. આ જથ્થાની તપાસ દરમિયાન પોલીસને ઉના બાયપાસ પાસે આવેલા શ્રી રામ ટ્રેડિંગમાંથી વધુ 8005 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ કાસમભાઈ સુમરા (22 વર્ષ), યુસુફભાઇ સીખુભાઇ સિપાઈ (43 વર્ષ) અને ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા (32 વર્ષ)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ 30 માર્ચના રોજ જિલ્લામાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર મળેલી માહિતીના આધારે પોલીસે આ સફળ કાર્યવાહી કરી છે. પોલીસે જપ્ત કરેલા ડીઝલના જથ્થાની તપાસ માટે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. તેઓ નિયમ મુજબ નમૂના લઈને આગળની કાર્યવાહી કરશે