માત્ર રાજેશ શિલુ નહીં, બાકીનાં ભાઈઓ પણ નમૂના છે…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરનો જાણીતો ટાઉટ અને હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુ ભલે સસ્પેન્ડ થઈ ગયો હોય, તેની લીલાઓની વિગતો રોજેરોજ બહાર આવી રહી છે. રાજકોટ પોલીસનાં ‘રત્ન’ ગણાતાં રાજેશ શિલુ અને તેનાં ત્રણ ભાઈઓએ છેતરપિંડી અને ગુંડાગીરી, પૈસા ઓળવી જવા વગેરે પ્રવૃત્તિને જાણે ગૃહ ઉદ્યોગ બનાવી લીધો હોય એવો ઘાટ સર્જાયો છે. ચોટીલા ખાતે રહેતાં ભાવિન જીતેન્દ્રભાઈ કરથિયાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ ભાઈઓ વિરૂદ્ધ 80 લાખ રૂપિયા ઓળવી જવાની ફરિયાદ અરજી સ્વરૂપે કરી છે. આ અરજી અક્ષરશ: નીચે પ્રકાશિત કરી રહ્યાં છીએ :- આજરોજ તા. 7-10-2024 અમે ફરિયાદી ભાવિન જીતેન્દ્રભાઈ કરથિયા (ઉ.વ.40, ધંધો વેપાર), જીતેન્દ્રભાઈ લાલદાસભાઈ કરથિયા (ઉ.વ.69) જે મારા પિતા છે, શશીકાંતભાઈ લાલદાસભાઈ કરથિયા (ઉ.વ.65) જે મારા કાકા છે. જે અમે લોકો ઘણા સમયથી ચોટીલા ગામમાં સાથે રહીએ છીએ અને ચોટીલા ગામમાં વાસણનો વેપાર કરીએ છીએ.
આજરોજ આપને અમો ફરિયાદ પણ અમારી સાથે થયેલી છેતરપિંડીની રજૂઆત તેમજ ફરિયાદ આપવા માટે આ અરજી આપીએ છીએ. અમે લોકો અમારા કુટુંબીજનો સાથે ઘણાં વર્ષોથી ચોટીલા ગામમાં રહીએ છીએ. અમારું જે સોસાયટીમાં મકાન છે તેની સામેના મકાનમાં મહેશભાઈ લાભશંકરભાઈ શિલુ રહે છે અને એ મકાન તેમની માલીકીનું છે. અમારા ઘરની સામે રહેતા હોવાથી મારા કાકા ભુપેન્દ્રભાઈ સાથે તેમની મિત્રતા થઈ અને ધીમે ધીમે તે સંબંધ ગાઢ બન્યા હતા.
તે પછી મહેશભાઈ શિલુ અને તેમના બંને ભાઈ સુરેશભાઈ શિલુ અને રાજેશભાઈ શિલુ સાથે સંપર્ક કરાવેલો હતો.
મહેશભાઈ શિલુ તેમજ સુરેશભાઈ શિલુએ મારા કાકા શશીભાઈ તેમજ મારા પિતાજી જીતેન્દ્રભાઈને પોતાને મોરબીમાં મીરેકલ સિરામીક નામની ફેકટરી હોય તેવી રજૂઆત કરી અને તે ધંધા માટે તેમને રૂા. 80,00,000 (રૂપિયા એંસી લાખ પુરા)ની ધંધો વધારવા માટે જરૂરિયાત હોય તેવી રજૂઆત કરી હતી. અને અમોને જણાવેલું કે અમે મીરેકલ સિરામીક કંપનીમાં પાર્ટનર તરીકે ધંધો કરીએ છીએ. જો તમે અમોને રૂા. 80,00,000ની મદદ કરશો તો અમે તમોને સારું વળતર આપીશું. તે દરમિયાન મારા પિતાજી તેમજ મારા કાકાએ કહ્યું કે સારું વળતર રૂપે તમે શું આપશો, ત્યારે મહેશભાઈ શિલુ તેમજ સુરેશભાઈ શિલુએ અમોને એવી બાંહેધરી આપેલી કે-
અમારા ભાગે જે કંઈ પણ પૈસા આવશે તેમાંથી અમે તમોને 2% (બે ટકા) જીતેન્દ્રભાઈ કરથિયાને તેમજ 2% શશીકાંતભાઈ કરથિયાને આપીશું ત્યારે મારા પિતાજી તેમજ મારા કાકાએ સુરેશભાઈ તેમજ મહેશભાઈને પૂછયું કે તમારી કંપની કદાચ કાલ સવારે ચાલશે નહીં કે નુકસાન કરશે તો તેના માટે શું વિચારવાનું? ત્યારે સુરેશભાઈ શિલુએ રૂા. 100નો ગર્વમેન્ટ સ્ટેમ્પ રાજકોટ પોસ્ટ ઓફીસમાંથી તેમના પોતાના નામનો લઈ જેનો એ.પી.નં. 330708 હોય લાઈસન્સ નંબર 909-937 હેડ પોસ્ટ ઓફીસ રાજકોટ 360001માંથી સ્ટેમ્પ પેપર લઈ અને તેના ઉપર તેના ભાઈ મહેશભાઈ શિલુને સાક્ષી રાખી કાયદેસરનું લખાણ કરી આપેલું હતું જેની તારીખ 13-10-2015 છે. જે બધા આધારપુરાવા અમારી પાસે છે. તા. 13-10-2015ના રોજ સુરેશભાઈ શિલુ, રાજેશભાઈ શિલુ, મહેશભાઈ શિલુ અમારા ઘરે આવેલા અને મારા પિતાજી તેમજ મારા કાકા પાસેથી રૂા. 80,00,000 (રૂા. અંકે એંસી લાખ) રોકડા લઈ ગયા હતા.
- Advertisement -
ત્યાર બાદ દિવસો ઉપર દિવસો વીતતા રહ્યા પરંતુ સુરેશભાઈ તરફથી અમને જે લખાણ કરી આપેલું તે મુજબ કોઈ પણ પ્રકારના કંઈ પૈસા અમોને આપેલા નથી
અને અમારા પરિવારજનો વારંવાર સુરેશભાઈ તેમજ તેમના બંને ભાઈઓને આ બાબતે વાત કરતા પરંતુ તે લોકો સમય ઉપર સમય આપતા ત્યારબાદ સુરેશભાઈ અને તેમના બંને ભાઈઓ અમારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને મહેશભાઈને તેના ઘરે રૂબરૂ મળતા તેઓ એવુ કહેતા કે હું મારા ભાઈને વાત કરીશ પરંતુ તે પછી પણ કોઈ પ્રકારના અમોને પૈસા આપેલા નથી.
ત્યારબાદ અમો મહેશભાઈ તેમજ સુરેશભાઈને કહ્યું કે અમે તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું, ત્યારે એ બંને ભાઈઓએ અમોને એવી ધમકી આપી કે અમારા ભાઈ રાજેશભાઈ શિલુ રાજકોટ પોલીસમાં છે, તમારા જે થતું હોય તે કરી લો, તમે અમારું કંઈ નહીં કરી શકો.
ત્યાર બાદ તા. 25-03-2019ના રોજ મેં અને મારા પિતાજીએ મહેશભાઈને આ બાબતે ફોન કરેલો ત્યારે મહેશભાઈએ ફોનમાં અમોને અભદ્ર ગાળો બોલીને કહી દીધું કે તમારાથી જે થતું હોય તે કરી લો, પૈસા નહીં મળે. તમારી પાસે એવું કોઈ પ્રુફ નથી કે તમે અમોને રૂા. 80,00,000 આપેલ છે. ત્યારે મારા કાકા ભુપતભાઈ તેમજ પંકજભાઈ મહેશભાઈ શિલુની દુકાન પર આ બાબતે વાત કરવા ગયા અને મને જાણ થતાં હું પણ ત્યાં પાછળથી ગયો અને ત્યારબાદ ત્યાં વાતચીત કરતા મહેશભાઈ ગુસ્સામાં આવીને મારા બંને કાકા ઉપર હાથ વડે માર માર્યો ત્યારબાદ બંને વચ્ચે સામસામે મારામારી થઈ હતી ત્યારબાદ બંને પક્ષો ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા.
પરંતુ રાજકોટથી રાજેશભાઈ શિલુએ રાજકોટથી ચોટીલા સુરેશભાઈ શિલુ સાથે રૂબરૂ આવીને અમારી ફરિયાદ લેવાની નથી, તેવું કહેતાં ત્યાં સ્થાનિક ફરજ બજાવતા ઓફીસરે ફરિયાદ લીધેલી નહોતી અને રાજેશભાઈ શિલુના કહેવાથી તે લોકોની ફરિયાદ લેવામાં આવી હતી.
જેનો ફ.કે.નં. 487/2019 છે. જે તા. 26-3-2019ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈના કહેવાથી દાખલ કરવામાં આવેલી હતી.
ત્યારબાદ આ કેસ કોર્ટમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે અને અમે સમયસર કોર્ટમાં અમારા વકીલ સાથે હાજરી પણ આપીએ છીએ પરંતુ તા. 3-10-2024ના રોજ ચોટીલા કોર્ટમાંથી કેસના પેપરની બધી માહિતી લેતાં મહેશભાઈ શિલુએ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ચોટીલા કોર્ટમાં જજની સામે અને વકીલની હાજરીમાં તે સ્વીકારેલું છે કે તે લોકોએ અમારી પાસેથી રૂા. 80,00,000 (રૂા. એંસી લાખ પૂરા) અમારી પાસેથી લીધેલા છે અને અમોને કોઈપણ પ્રકારના પૈસા અત્યાર સુધીમાં પરત કરેલા નથી.
તો આ હકીકત અમો ફરિયાદી પણ તમોને જણાવીએ છીએ કે આજદીન સુધી અમોને અમારા પૈસા પરત મળેલા નથી અને આરોપી સુરેશભાઈ લાભશંકરભાઈ શિલુ, રાજેશભાઈ લાભશંકરભાઈ શિલુ, મહેશભાઈ લાભશંકરભાઈ શિલુએ જાણી જોઈને અમારી સાથે છેતરપિંડી તેમજ વિશ્ર્વાસઘાત કરેલો છે, જે હકીકત અમો આપ સમક્ષ રજૂ કરીએ છીએ. અને આપના તરફથી અમોને પૂરતો ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ. આ કેસને લગતા તમામ આધારપુરાવા સાથે આપીએ છીએ અને જલદીથી આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવાની અપીલ કરીએ છીએ.