મેનેજરે કર્મચારીઓ સાથે મળી 25 લોકોની બોગસ ડોક્યુમેન્ટ આધારે લોન પાસ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર શીતલપાર્ક ચોક પાસે ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં આવેલી ખાનગી બેંક સાથે રૂપિયા 4.13 કરોડની છેતરપિંડી થયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મેનેજર સહિત કંપનીના ત્રણ કર્મચારીઓ અને 25 ગ્રાહકો મળી કુલ 28 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મેનેજર અને કર્મચારીઓએ સાથે મળી રાજકોટ, જામનગર, પડધરી, કાંગશિયાળી, મહેસાણા, અમદાવાદમાંથી ગ્રાહકો શોધી ખોટા બિલ આધારે લોન પાસ કરાવી મોટુ કમિશન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે બે કર્મચારી સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
સુરતમાં પાલનપુર જકાતનાકા રોડ પર રહેતાં અને મીન્ટીફી ફિનસર્વ લીગલ મેનેજર તરીકે ગુજરાત રાજ્યમાં કામ કરતાં ચંદ્રેશ મોટુમલ જોબનપુત્રા (ઉ.વ.30)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીની મુખ્ય ઓફિસ અંધેરી ઈસ્ટ મુંબઈ ખાતે આવેલી છે. રાજકોટમાં શિતલ પાર્ક સ્પાયર-2 ઓફિસ નં.1324 મીન્ટીફી ફિનસર્વ ઓફિસ ધરાવી ધંધો કરે છે. કંપનીમાં અમિત ઘનશ્યામ પરેજીયા કે જે થર્ડ પાર્ટી ઈન્સપેકસન માટે ફોર્મલિક એન્જિનિયરના કર્મચારી તરીકે ફરજ બજાવે છે તેમજ હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા બાન્ચ મેનેજર તરીકે તેમજ આકાશ દીલેશ વ્યાસ સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા કૌભાંડ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી ગઇકાલે 5 બાદ આજે વધુ 3 આરોપી મળી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ ફરાર 20 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં અમિત ધનશ્યામભાઇ ધરેજીયા, હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા, કમલેશ જમનાદાસ પાડલીયા, હિતેશ તુલશીભાઇ કણજારીયા, જયદિપ ખીમજીભાઇ ચૌહાણ, જગદીશ છગનભાઇ ચૌહાણ, ચિરાગ ભરતભાઇ ધારવીયા અને વિનોદ નાનજીભાઇ ધારવીયાનો સમાવેશ થાય છે.