ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ગેસ કંપની દ્વારા સીરામીક ઉદ્યોગને ભાવ ઘટાડાના સંદેશ વહેતા કરવામાં આવ્યા બાદ તે જ દિવસથી નેચરલ ગેસના ભાવમાં 8.5 ટકાનો સતાવાર રીતે ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપનીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવતા પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં 8.5 ટકા એટલે કે અંદાજે રૂપિયા 5 નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસના ભાવ ઘટાડા અંગે ધારાસભ્ય કાંતિભાઈ આમૃતિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતીને મોરબીમાં ભવ્યાતી ભવ્ય વિજય બાદ ગેસના ભાવ ઘટાડી સિરામિક ઉદ્યોગને રાહત મળે એ માટે સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે ભારતીય જનતા પક્ષને મળેલ ભવ્ય જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ લોકઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું કાંતિભાઈએ જણાવ્યું હતું.