રાજકોટ રોડ પર ટ્રેક્ટર, બોલેરોની લાંબી કતાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની આવકમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જેમાં તારીખ 14 ફેબ્રુઆરી એક જ દિવસમાં 8,24,000 કિલો તુવેર યાર્ડમાં ઠલવાઇ હતી. જેમાં ખેડૂતોને મણના સૌથી ઉંચા ભાવ રૂપિયા 1988 મળ્યા હતા. હજુ પણ આગામી થોડા દિવસો સુધી તુવેરની આવક ચાલુ જ રહેશે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આ વખતે ખેડૂતોએ તુવેરનું વધારે વાવેતર કર્યું હતું. સાથે આ વખતે તુવેરના પાકને અનુરૂપ વાતાવરણ હોય વિપુલ માત્રામાં ઉત્પાદન થયું છે. આ ઉપરાંત રાજ્યોના અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના ભાવ પણ સારા મળી રહ્યા છે. જેને લઇને રાત્રીના સમયમાં જ રાજકોટ રોડ પર ટ્રેક્ટર, બોલેરો, ટ્રકોની લાંબી કતાર જોવા મળી રહી છે.
જૂનાગઢ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો અહીં વેચાણ અર્થે આવે છે. બુધવારે યાર્ડમાં 8240 કિવન્ટલ તુવેરની આવક થવા પામી છે. મતલબ કે એક જ દિવસમાં કુલ 41,200 મણની આવક નોંધાઇ હતી. જેની સામે હરરાજીમાં મણના ભાવ રૂપિયા 1988 બોલાયા હતા. ઉપરાંત યાર્ડમાં સાદી તુવેરની સાથે જાપાની તુવેરની પણ આવક થઇ રહી છે. રાત્રીના સમયથી જ જણસીની સાથે વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.