ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ગુજરાતમાં હરિયાળી વધારવા અને વૃક્ષાવરણમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં 76મા મહાનગરપાલિકા વનમહોત્સવની ઉજવણી શ્રીમતી એન.બી.કાંબલીયા ક્ધયા વિદ્યાલય ખાતે કરવામાં આવી.
આ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ, ગીર સોમનાથ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવી. કાર્યક્રમના અધ્યક્ષસ્થા મેયર ધર્મેશભાઈ પોશીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક અક્ષય જોષી, ડે. મેયર આકાશ કટારા, ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ તમામ મહેમાનોનું તુલસીના રોપા આપીને સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થિનીઓએ પર્યાવરણ જાગૃતિ ગીત, વક્તવ્ય અને યોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું. ધારાસભ્ય કોરડીયા અને મેયર ધર્મેશભાઈ પોશિયાએ વૃક્ષો વાવવાનું અને પર્યાવરણનું મહત્વ સમજાવી લોકોને જાગૃત કર્યા. મેયરશ્રીએ “વૃક્ષ છે તો આપણે છીએ” નું સૂત્ર આપી પર્યાવરણ સંરક્ષણની વાત કરી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીમડો, સવન, બોરસલી, પીપળો વગેરે જેવા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 10,000 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ‘ઓક્સિજન રથ’નું પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.



