ગુજરાતમાં આવતીકાલે તાપી જિલ્લાના વ્યારામાં ગણતંત્ર દિનની ઉજવણી
દેશના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હીમાં શાનદાર પરેડ યોજાશે : મુખ્ય અતિથિ તરીકે હાજર રહેનાર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું આગમન : રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત
- Advertisement -
દેશના 76મા પ્રજાસત્તાક દિનની આવતીકાલે આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે. દિલ્હીમાં રાજપથ ખાતે ભારતીય સૈન્ય દ્વારા આધુનિક શક્તિનું પ્રદર્શન અને સાથોસાથ દેશના વિવિધ રાજ્યો દ્વારા વિકાસ અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે પરેડ યોજાશે. લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવશે.
આવતીકાલના ગણતંત્ર દિનના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબીયાંતો આજે ભારત આવી પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. વિમાની મથકે વિદેશ રાજ્ય મંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રસપ્રદ બાબત એ છે કે, ગણતંત્ર દિનના મુખ્ય અતિથિ તરીકે ભારતમાં હાજરી આપનાર તેઓ ઇન્ડોનેશીયાના ચોથા રાષ્ટ્રપતિ બન્યા છે. 1950માં દેશના પ્રથમ ગણતંત્ર દિનમાં ઇન્ડોનેશીયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય અતિથિ હતા. ભારત અને ઇન્ડોનેશીયા વચ્ચે ગાઢ સંબંધોમાં હવે તે ભારત પાસેથી બ્રહ્મોસ્ત્ર સહિતના મિસાઇલ અને અન્ય શસ્ત્રો ખરીદવાના કરાર થશે.
આવતીકાલે ગણતંત્ર દિનની ઉજવણી પૂર્વે દિલ્હી સહિત દેશભરમાં જબરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. ગુજરાતમાં ગણતંત્ર દિનની ઉજવણી તાપી જિલ્લામાં વ્યારામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.
- Advertisement -
મુખ્યમંત્રી આજે જ વ્યારા પહોંચી ગયા છે અને તાપી જિલ્લાને અનેક વિકાસકામોની ભેટ આપી છે. દેશના અન્ય રાજ્યોના પાટનગરમાં પણ ગણતંત્ર દિનની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.