પૂર્વ રાષ્ટ્રપતિ સામે લાગેલા તખતાપલટના આરોપનો પ્રચંડ વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના 7 લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઊતરી આવ્યા છે. તેમણે બોલ્સોનારો સામે લાગેલા બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો. ભારતીય સમય અનુસાર, રવિવારે મોડીરાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી 2023માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર ઓક્ટોબર 2022માં થયેલી ચૂંટણીમાં હાર બાદ તખતાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું- બળવો કેવી રીતે થાય? જ્યારે સૈન્ય ટેન્કો શેરીઓમાં મૂકવામાં આવે છે,એ લોકો પાસે શસ્ત્રો હોય છે. પરંતુ જાન્યુઆરી 2023માં આવું કંઈ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી. આ વિરોધપ્રદર્શન બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં થયું હતું. આ દરમિયાન બોલ્સોનારો સમર્થકોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. અમેરિકન મીડિયા બ્લૂમબર્ગ અનુસાર, સાઓ પાઉલોમાં લગભગ 7 લાખ 50 હજાર બોલ્સોનારો સમર્થકો એકઠા થયા હતા. બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કરાયા હતા. લોકોને રસ્તા પર ઊતરીને પોતાની તાકાત બતાવવા કહ્યું. આ પછી તે રેલીમાં જોડાયા. બોલ્સોનારો હાથમાં ઇઝરાયલનો ધ્વજ પકડેલો જોવા મળ્યા હતા.
- Advertisement -
તખતાપલટના શું આક્ષેપો કરવામાં આવ્યા
ઓક્ટોબર 2022માં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બોલ્સોનારો લગભગ 21 લાખ 39 હજાર મતોથી હારી ગયા અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા. લુલા દા સિલ્વાએ 1 જાન્યુઆરી 2023ના રોજ શપથ લીધા હતા. એક અઠવાડિયા પછી 8 જાન્યુઆરી, 2023 ના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી. આ પછી પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ બોલ્સોનારો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિનું નામ પણ તેની તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતોના મતે બોલ્સોનારોએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રેરિત થઈને આવું કર્યું હતું. હકીકતમાં બે વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ આવી જ હિંસા થઈ હતી. ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. જુલાઈ 2022 માં બોલ્સોનારોએ 8 વિદેશી રાજદૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં તેણે બ્રાઝિલની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા અને હેરાફેરીના આરોપો લગાવ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોલ્સોનારોએ વિદેશી રાજદૂત સાથેની મિટિંગનો ઉપયોગ કાવતરાના ભાગરૂપે શંકા પેદા કરવા માટે કર્યો હતો. તેમણે લોકોના મનમાં આશંકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો કે 2022ની ચૂંટણીનાં પરિણામોમાં ધાંધલ ધમાલ થશે. આ પછી તેમના પર તેમના પદ અને મીડિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારોએ સત્તાનો દુરુપયોગ કર્યો અને દેશની ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી. આ કિસ્સામાં, 30 જૂન, 2023 ના રોજ, બોલ્સોનારો પર 7 વર્ષ માટે એટલે કે 2030 સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.