એક પગ ગુમાવ્યો છતાં માઇભક્તિએ ભરી દીધા પાંખ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ વાતને સાબિત કરી છે દ્વારકા રેલવે સ્ટેશન પાસે ગેસ્ટ હાઉસ ધરાવતા 70 વર્ષીય ગુલાબસિંહ ગોહિલે. થોડા સમય પહેલા માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા છતાં તેમણે હિંમત હાર્યા વગર ત્રણ વ્હીલ એક્ટિવા લઇ કચ્છ સ્થિત આશાપુરા માતાજીના મઢ દર્શન કરવા પ્રયાણ શરૂ કર્યું છે. ગુલાબસિંહ ગોહિલની માઇભક્તિ અડગ છે. આશાપુરા માતાજીના દર્શન માટે જવાના પહેલા પરિવારજનોએ એકત્ર થઈ તેમને વિદાય આપી હતી. સૌએ માતાજી તેમની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી. એક પગ ગુમાવ્યા છતાં તેમણે આટલો મોટો પ્રવાસ એકલા જ કરવાનો નિશ્ચય કર્યો એ જાણીને સૌને આશ્ચર્ય થયું. સશક્ત યુવાનો માટે પણ ક્યારેક મુશ્કેલ લાગતું એવું સાહસ એક વૃદ્ધે કર્યું છે. 70 વર્ષીય ગુલાબસિંહ ગોહિલની આ મુસાફરી તેમની અખૂટ શ્રદ્ધા અને ધીરજનું પ્રતિક છે. એક પગ ગુમાવ્યા પછી પણ તેઓએ જીવન પ્રત્યેનો વિશ્વાસ ગુમાવ્યો નથી, પરંતુ માતાજીના આશીર્વાદે તેમને શક્તિ આપી છે. ગુલાબસિંહ ગોહિલનું આ યાત્રાસાહસ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજ માટે વિશિષ્ટ ઉદાહરણ છે કે અડગ શ્રદ્ધા અને મનોબળ હોય તો કોઈપણ અવરોધ મોટો નથી.