સુરેન્દ્રનગરના એસપી હરેશ દૂધાતને આઈબીના એસપી બનાવાયા તો તેમના સ્થાને સીઆઈડી ક્રાઈમના એસપી જી.એ.પંડ્યાની નિમણૂક: જૂનાગઢના એસપી વાસમશેટ્ટી રવિતેજાની ગાંધીનગર એસપી તરીકે બદલી તો તેમના સ્થાને સુરતના ડીસીપી હર્ષદ મહેતા મુકાયા
ત્રણ મહિના બાદ અમદાવાદને મળ્યા પોલીસ કમિશનર: રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર તરીકે ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન વિધિ ચૌધરીની બદલી
- Advertisement -
રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી લગભગ વિધાનસભા ચૂંટણી વખતથી ઠેલાતી આવી છે. દર વખતે બદલીઓ થવાની ઘડી નજીક આવી જાય કે તુરંત જ તેમાં કોઈ ફેરફાર થવાને કારણે બ્રેક લાગી જતી હતી. દરમિયાન ગઈકાલથી વડાપ્રધાન સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમના પ્રવાસ વખતે જ 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળી જશે.
ગૃહ વિભાગ દ્વારા ગત સાંજે પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. બદલીઓમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરને નવા પોલીસ વડા મળ્યા છે તો અમદાવાદમાં ત્રણ મહિના બાદ કાયમી પોલીસ કમિશનર મુકાયા છે. બીજી બાજુ આઈબી વડા અનુપમસિંઘ ગેહલોતને ફરી વડોદરાના પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે તો વડોદરાના સીપી શમશેરસિંઘને કાયદો-વ્યવસ્થા વિભાગના ડીજી બનાવવામાં આવ્યા છે.
અમદાવાદના પોલીસ કમિશનર તરીકે દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા બીએસએફના વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને મુકવામાં આવ્યા છે. જ્યારે મોસ્ટ સીનિયર અધિકારી નરસિમ્હા કોમારને કાયદો-વ્યવસ્થાના ડીજીમાંથી બદલી આપી પોલીસ વહીવટી તંત્રના એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી તેમજ ડિરેક્ટર સિવિલ ડિફેન્સના નિરજા ગોટરુને એડિશનલ ડીજી-પોલીસ ટ્રેનિંગ તરીકે બદલી અપાઈ છે.
- Advertisement -
સૌરાષ્ટ્રમાં થયેલી બદલીઓની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના એસપી હરેશ દૂધાતને આઈબીના એસપી તરીકે બદલી અપાઈ છે તો તેમના સ્થાને સીઆઈડી ક્રાઈમના એસપી જી.એ.પંડ્યાને મુકવામાં આવ્યો છે. આવી જ રીતે જૂનાગઢના એસપી વાસમશેટ્ટી રવિતેજાની ગાંધીનગર એસપી તરીકે બદલી કરીનેતેમના સ્થાને સુરતના ડીસીપી હર્ષદ મહેતા મુકવામાં આવ્યા છે.
જ્યારે પોરબંદરના એસપી રવિમોહન સૈની અમદાવાદના ડીસીપી બન્યા તો તેમની જગ્યાએ અમદાવાદના ડીસીપી ભગીરથસિંહ જાડેજા અને ભાવનગરના એસપી ડૉ.રવીન્દ્ર પટેલની પાટણ બદલી, તેમની જગ્યાએ એમટી એસપી-ગાંધીનગરના ડૉ.હર્ષદકુમાર પટેલની બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં અંદાજે ત્રણેક મહિનાથી ખાલી પડેલી એડિશનલ પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યા ઉપર ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન વિધિ ચૌધરીને મુકવામાં આવ્યા છે.