મંગળવારની એક દિવસની રેકોર્ડબ્રેક 84 લાખ રૂપિયાની આવક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એસટી વિભાગ દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખી મુસાફરોની સુવિધા માટે 70 જેટલી એક્સ્ટ્રા બસો મૂકી છે. સાતમ-આઠમના તહેવારમાં પરિવાર સાથે લોકો મેળો માણવા માટે એસટીની સલામત અને સસ્તી મુસાફરીનો લાભ લઇ શકે તે માટે વધારાની બસો મૂકવામાં આવી છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કરોતરા જણાવે છે કે, મંગળવારથી 70 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જે મોટાભાગે સાતમ-આઠમ ઉપરાંત દશમના દિવસ સુધી દોડાવવામાં આવશે. મંગળવારે કુલ 475 જેટલી એસટી બસોની ટ્રીપ થઇ છે. જેના થકી એક જ દિવસમાં 84 લાખ રૂપિયાની આવક થઇ છે. જે રેકોર્ડબ્રેક છે. હાલ રાજકોટથી અમદાવાદ, પંચમહાલ, જામનગર, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ જવા માટે એસટી બસોમાં ટ્રાફ્ટિ જોવા મળી રહ્યો છે. મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હાલ અલગ-અલગ રૂટમાં 70 એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જેનો લાભ મુસાફરો લઇ રહ્યા છે.