એનિમી પ્રોપર્ટી શોધી ભવિષ્યમાં તેની હરરાજી કરાશે
મુંબઈથી ભારત સરકારના સર્વેયરની ટીમ આવી તપાસ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ એનિમી પ્રોપર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી રાજકોટ આવી છે. જે અલગ અલગ જગ્યાએ સર્વે કરી તેનો રિપોર્ટ મુંબઈ વડી કચેરીમાં આપશે અને બાદમાં આવી પ્રોપર્ટી પર રહેલું દબાણ દૂર કરી તેની હરાજી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં જેતપુર શહેર અને પંથકમાં જ 45 મિલકતો આવેલી છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ,ધોરાજી પંથકમાં 20 મીલકતો આવેલી છે. આ જગ્યાઓ ઉપર હાલ કોઈ દબાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. રાજકોટ જીલ્લામાં આવેલી આવી 70 જેટલી એનીમી પ્રોપર્ટીઓ કે જેનું હાલ કોઈ વારસદાર નથી. આવી પ્રોપટીઓનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી અહીં આવી પહોંચી છે. સર્વેની કામગીરી બાદ આ અધિકારી પોતાની સાથે રીપોર્ટ લઈ જઈ મુંબઈ વડી કચેરીને સોંપશે. જે પછી આ પ્રોપર્ટીની હરાજીનો નિર્ણય લેવામાં આવશે.
એનિમી પ્રોપર્ટી શું છે?
દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ તેને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો દુશ્મન સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. 1968ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને દુશ્મનની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.
જે એનિમી પ્રોપર્ટી પર દબાણ હશે તે દૂર કરાશે
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1947 માં ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા થયા. આ સમયે મહોમ્મદ અલી ઝીણા સહિતના ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જોકે તેઓની મિલકતો ભારતમાં અલગ અલગ જગ્યાએ સ્થિત છે. જે હાલ પડતર હાલતમાં છે. જ્યાં અમુક જગ્યાએ દબાણ થઈ ગયાનુ પણ સામે આવ્યું છે. રાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્મની મિલકતો આવેલી છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ પણ યોજાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 70 મિલકતોની વિગતો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુંબઇ ખાતે રહેલ કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી તંત્રને મોકલી આપવામાં આવી છે. જેમાં આ મિલકતોનુ વેલ્યુએશન કાઢવામાં આવેલું છે અને કેટલી જગ્યા છે તેની વિગતો પણ મોકલવામાં આવેલી છે.



