યુક્રેનની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ યુક્રેનમા વસતા ભારતીય લોકો તેમજ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના અનુસંધાને યુક્રેનના ચેર્નિવત્સીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને રોમાનિયાની સરહદેથી એર ઈન્ડિયાના વિમાન દ્વારા મુંબઈ અને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે. જેમાંના સાત વિદ્યાર્થીઓ રાજકોટ આવી પહોંચ્યા છે.
તેમનું મેયર ડો. પ્રદીપ ડવ તેમજ કલેકટર અરુણા મહેશ બાબુ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો સાથે તેમનું મિલન થતા ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંપરા મુજબ તેમની માતાઓએ કુમકુમ તિલક કરી તેઓને ગળે લગાડી વહાલ વરસાવ્યું હતું.


