MP-UP સહિત 11 રાજ્યમાં વાવાઝોડું-વરસાદ: બેંગલુરુમાં બીજા દિવસે પણ યલ્લો એલર્ટ, પાણી ભરાવાથી 3 લોકોનાં મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હવામાન વિભાગે આજે મંગળવારે MP-UP સહિત 11 રાજ્યમાં આંધી-વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ઝારખંડ અને બિહાર સહિત 13 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી 2 અને ઝારખંડમાં 5 લોકોનાં મોત થયાં છે. સોમવારથી બેંગલુરુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે સતત બીજા દિવસે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
બેંગલુરુમાં વરસાદને કારણે 3 લોકોનાં મોત થયાં છે. બીટીએમ લેઆઉટ વિસ્તારમાં પાણી ભરાયેલા એપાર્ટમેન્ટમાં કરંટથી 12 વર્ષનો છોકરો અને 63 વર્ષીય વૃદ્ધનાં મૃત્યુ થયાં. એ જ સમયે વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં દીવાલ પડવાથી 35 વર્ષીય મહિલાનું મોત થયું.
હરિયાણા અને રાજસ્થાન સહિત 4 રાજ્યમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. મધ્યપ્રદેશના ખજૂરાહોમાં પારો 46 ડિગ્રી નોંધાયો હતો. ઉત્તરપ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. હવામાન વિભાગે 19 મેના રોજ જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસમાં મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
ત્યારે 21 મેના રોજ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, બિહાર, કેરળ, પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એ જ સમયે પશ્ર્ચિમ રાજસ્થાનમાં ગરમીની ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે 22 મેના રોજ મહારાષ્ટ્રમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ, બિહાર, કોંકણ, ગોવા, તેલંગાણા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, તામિલનાડુ, પુડુચેરી, કેરળ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત 23 રાજ્યમાં વરસાદ પડશે. રાજસ્થાનમાં ગરમીનું મોજું અને ધૂળનું વાવાઝોડા આવી શકે છે.