ટ્રેનનાં 5 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં, બધા જ યાત્રીઓ સુરક્ષિત
રેલવે ટ્રેક પર હાથીઓના મૃતદેહ વિખરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
આસામના હોજાઈ જિલ્લામાં શનિવારે સવારે હાથીઓનું એક ટોળું સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી ગયું. આ અકસ્માતમાં સાત હાથીનાં મોત થયાં અને એક બચ્ચું ઘાયલ થયું. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પણ પાટા પરથી ઊતરી ગયાં.
આ અકસ્માત મોડીરાતે 2:17 વાગ્યે ચાંગજુરાઈ ગામ પાસે થયો હતો. શરૂઆતમાં આઠ હાથીનાં મોત થયાં હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે એક હાથીનું બચ્ચું જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
નગાંવના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાસ કદમે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક પશુચિકિત્સકો ઘાયલ હાથીની સારવાર કરી રહ્યા છે.
ટ્રેન અકસ્માત પૂર્વોત્તર સીમાંત રેલવેના લુમડિંગ ડિવિઝનમાં થયો હતો. અકસ્માત સ્થળ ગુવાહાટીથી લગભગ 126 કિલોમીટર દૂર છે. રેસ્ક્યૂ ટ્રેન અધિકારીઓ સાથે ઘટનાસ્થળ તરફ રવાના થઈ ચૂકી છે. સૂત્રો અનુસાર, પાટા પરથી ઊતરી જવા અને પાટા પર હાથીઓના મૃતદેહ મળવાને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગો માટે રેલ સેવાઓ હાલ પૂરતી બંધ છે. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેન અકસ્માતમાં 8 હાથીનાં મોત થયાં છે. હાથીનું એક નાનું બચ્ચું આ અકસ્માતમાં ઘાયલ થયું છે, જેની સારવાર ચાલી રહી છે.
નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (ગઋછ)ના મુખ્ય જનસંપર્ક અધિકારી કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુવાહાટીથી લગભગ 126 કિલોમીટર દૂર લુમડિંગ ડિવિઝન હેઠળના જમુનામુખ-કાંપુર સેક્શનમાં થઈ હતી. દુર્ઘટના સ્થળ અધિકૃત હાથી કોરિડોર નથી.
અધિકારીના જણાવ્યા અનુસાર, હાથીઓનું ટોળું અચાનક ટ્રેન સામે આવી ગયું. લોકોપાઇલટે ઇમર્જન્સી બ્રેક લગાવી, પરંતુ તેમ છતાં હાથીઓ ટ્રેન સાથે અથડાઈ ગયા. ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે મૃત હાથીઓના દેહના અંતિમસંસ્કાર ઘટનાસ્થળ નજીક જ કરવામાં આવશે.



