વેરાવળ દરિયામાં બોટ મારફતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનો પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
ગીર-સોમનાથ આગામી હોળી-ધુળેટી તહેવાર નિમિતે દરિયામાં ઇંગ્લીશ દારૂની હેરફેર વધી છે ત્યારે બે દિવસ અગાઉ ઊના નવા બંદર પોલીસે હોળીમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે ગિર-સોમનાથ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.બી.જાડેજા તથા પીએસઆઇ એ.બી.વોરાને મળેલી બાતમીના આધારે વેરાવળના ભીડીયા જેટી પાસેથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
એક તરફ હોળી-ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે બીજી તરફ ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ઇંગ્લીશ દારૂની હેરફેર દરિયામાં વધી છે જેને લઇ એસપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ક્રાઇમ બ્રાંચે વેરાવળ ભીડીયા જેટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે જય હરેશ્ર્વરી નામની બોટમાં ઇંગ્લીશ દારૂની હેરફેર થતી હોવાની શંકાના આધારે પોલીસે રેઇડ કરી હતી. ત્યારે આ બોટમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નં.37 તેમજ બીયરના ટીન નં.136 અને ફીશીંગ બોટ મળી કુલ રૂા.7,25,770નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મનોજ ઉર્ફે મનીષ દેવજીભાઇ સોલંકી રહે.વેરાવળ વાળાને ઝડપી પાડેલ હતો. જયારે અન્ય આરોપી ભવ્યેશ ઉર્ફે લક્ષ્મણ લશા સોલંકી અને નિતીન અમૃત ઉર્ફે અસુ સોલંકીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.