562 રજવાડાઓને એક સૂત્રે બાંધવાના સરદાર સાહેબના કાર્યને યાદ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરમાં 68-વિધાનસભા વિસ્તારની પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી રોડ જકાત નાકાથી શરૂ થયેલી આ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, સેવા સંસ્થાના પ્રતિનિધિઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. પદયાત્રાનો પ્રારંભ શહેરના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો ઉદય કાનગડ અને રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
સમગ્ર રૂટ પર વિવિધ સમાજ દ્વારા પદયાત્રા પર પુષ્પવર્ષાથી સ્વાગત-અભિવાદન કરાયું હતું. શાળાના બાળકોએ વીર શહીદો અને વીર સૈનિકોની વેશભૂષા ધારણ કરી આ પદયાત્રામાં અનોખો ઉર્જાસ્રોત ઉમેર્યો હતો. દેશપ્રેમથી તરબતર થતા દેશભક્તિના ગીતો, ત્રિરંગા, બેન્ડ, ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓએ આ પદયાત્રાને ખરા અર્થમાં એકતા, શક્તિ અને સંકલ્પનું પ્રતીક બનાવી દીધી હતી.
- Advertisement -
આ તકે સાંસદ પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ અવસર માત્ર ઉજવણીનો નહીં, પરંતુ કૃતજ્ઞતા, પ્રેરણા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પનો અવસર છે. સરદાર સાહેબે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધવાનું જે કાર્ય કર્યું, તે આજે પણ વિશ્વ માટે એક અનોખું ઉદાહરણ છે. તેમણે આ પદયાત્રાને સરદાર સાહેબના જીવનમૂલ્યોને જન-જન સુધી પહોંચાડવાનો પવિત્ર પ્રયત્ન ગણાવ્યો. ધારાસભ્ય ઉદય કાનગડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં એકતા છે, ત્યાં શક્તિ છે અને જ્યાં સંકલ્પ છે, ત્યાં સિદ્ધિ છે.
મોરબી રોડ જકાતનાકાથી પ્રારંભ થયેલી આ પદયાત્રા ધોળકિયા સ્કૂલ, ડી-માર્ટ ચોક, કુવાડવા રોડ, પેડક રોડ થઈને ભાવનગર રોડ કોર્નર સ્થિત પટેલ વાડી પાસે સમાપન થઈ હતી. ધારાસભ્ય ઉદય કાનગડે પદયાત્રાને સફળ બનાવવા બદલ તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.



