માણાવદરના ખાંભલાના ગ્રામજનોનું અનોખું ભગીરથ કાર્ય
30 વીઘામાં ઉગેલા ગાંડા બાવળને દૂર કરી વૃક્ષોનું વાવેતર
- Advertisement -
ઔષધીય ગુણ ધરાવતાં વૃક્ષોના ઉછેર સાથે આયુર્વેદ ક્ષેત્રને ફાયદો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઊગી નીકળ્યા હતા ત્યારે ખાંભલા ગામના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા કેન્સર સર્જન ડો. ભાણજીભાઈ કુંડારીયાની પ્રેરણાથી ગ્રામ લોકો દ્વારા 132 જેટલા વિવિધ પ્રકારના 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે. માણાવદર તાલુકાના ખાંભલા ગ્રામજનો દ્વારા 30 વીઘા જમીનમાં 132 વિવિધ પ્રકારના 6500 વૃક્ષો વાવી અન્ય ગામને રાહ ચીંધ્યો છે.આજે જયારે ગ્લોબલ વોર્મિંગની અસરથી સમગ્ર વિશ્વ જમુમી રહ્યું છે ત્યારે નાના એવા ખાંભલા ગામે અથાગ મેહનત અને પરિશ્રમ સાથે 6500 વૃક્ષો વાવી તેનો ઉછેર કરીને અન્ય લોકોને પ્રેરણા આપી છે. ત્યારે આ ભગીરથ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે. આ વૃક્ષોના જતન માટે ડીપ ઇરીગેશન દ્વારા પાણી આપવામાં આવે છે. જેનાથી પાણીનો ખોટો બગાડ થતો નથી અને વૃક્ષોનું યોગ્ય જતન થાય અને એકી સાથે આટલા વૃક્ષોમાં પણ શક્ય નથી ત્યારે આ 30 વીઘામાં ડીપ ઇરીગેશન ફીટ કરીને વૃક્ષોને એકી સાથે પાણી મળી શકે તેવું આયોજન પણ કરાયું છે. જયારે 30 વીઘા જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગાંડા બાવળના ઝૂડ ઊગી નીકળ્યા હતા ત્યારે આ બાવળોને દૂર કરવા અને જમીનને સમથળ બનાવવા માટે મસ્ટરી ભાડે રાખીને કામ કરવામાં આવે તો ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે ત્યારે ડો. ભાણજીભાઈ કુંડારિયાએ જેસીબી ખરીદ કરીને આ સમિતિને અર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રભુદાસભાઈ ડાભીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આપણને શુદ્ધ ઓક્સિજન મળે અને તંદુરસ્ત વાતાવરણ રહે તેવા હેતુથી અને ગ્રામ લોકોના આખા મહેનતથી આ વૃક્ષોનું જતન થઈ રહ્યું છે.
ગામની સુવિધાને સાથે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે
– 2000ની વસ્તી
– જુનાગઢ – પોરબંદર સ્ટેટ હાઇવે પર ગામ
– સ્માર્ટ આંગણવાડી
– મોડેલ બસ સ્ટેશન
– ગામ લોકોને ટોકનના દરે ફિલ્ટર શુદ્ધ પાણી
વિવિધ એવોર્ડ
– નિર્મળ ગામ એવોર્ડ (મુખ્યમંત્રી દ્વારા સન્માન)
– શ્રેષ્ઠ ગ્રામ પંચાયત
– નિર્મળ ગામ પુરસ્કાર (રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પત્ર)
- Advertisement -
ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષો વાવ્યા: ગોવિંદભાઈ ડઢાણીયા
આ અંગે સમિતિના ગોવિંદભાઈ ડઢાણીયા એ જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ પ્લાન્ટનું નામ મધુવન આપવામાં આવ્યું છે અને અહીં 132 વિવિધ પ્રકારના ઔષધીયગુણ, ફળ-ફૂલ સહિતના 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યારે લોકોને શુદ્ધ વાતાવરણ મળે છે પરંતુ પશુ પંખીઓને પણ ભોજનાલયનું મોડેલ ફાર્મ તરીકે નિર્માણ કરાયું છે.
વૃક્ષ જતન તો આબાદ વતન : કિરણભાઈ ચૌહાણ
આ અંગે ગામના વતની કિરણભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા ડો. ભાણજીભાઈ કુંડારીયાની પ્રેરણાથી અને ગામ લોકોના સહકારથી લોકોને શુદ્ધ પ્રાણ વાયુ મળી શકે તેવા હેતુથી આ પ્લાન્ટસ્ટેશનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે ત્યારે વૃક્ષ જનન આબાદ વતન ના ઉમંડા વિચારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ.
વયોવુદ્ધ પણ નિસ્વાર્થ પણે સેવા કરી રહ્યા છે.
આ કાર્ય ફક્ત વૃક્ષારોપણ કરીને સંતોષ માનવા જેવો નથી તેની માવજત કરવી પણ ખૂબ અઘરી છે ત્યારે ગામના 62 વર્ષના પ્રભુદાસભાઈ કનેરિયા પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર 24 કલાક વૃક્ષોની માવજત કરી રહ્યા છે.