ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્મ ફોર ઇમ્યુંનાઈઝેશન કમિટીની મિટીંગ યોજાઈ હતી.કલેક્ટરએ જિલ્લામાં પોલિયો રસીકરણ અંગેની માહિતી મેળવી હતી અને આગામી પોલિયોના રાઉન્ડમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય તે માટેનું ઝીણવટભર્યું આયોજન કરવા અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ હેલ્થ ઓફિસરને આગામી પોલિયોના રાઉન્ડમાં બાળકોને 100% પોલિયોની રસીથી સુરક્ષિત થાય તે સુનિશ્ચિત કરવા અને કોઈપણ અધિકારી બેદરકારી દાખવશે તો તેની સામે કડક પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, પોરબંદર જિલ્લામાં પોરબંદર રાણાવાવ, કુતિયાણા સહિત તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળી 373 બુથો પર કુલ 62582 બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરવામાં આવશે. આ બેઠકમાં આરટીઓ, શિક્ષણ સહિતનાં સંબંધિત વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



