ગીર સોમનાથ જિલ્લાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિરૂચી વધે અને જીજ્ઞાસાવૃતિ કેળવાય તે હેતુસર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકારના સહયોગથી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે શેઠ એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વેરાવળની વિદ્યાર્થીનીને રિજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટની મુલાકાત માટે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા તથા આચાર્ય રાજેશભાઈ એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ મુકેશભાઈ ચોલેરા (સામાજિક અગ્રણી તથા ડાયરેક્ટર વેરાવળ પીપલ્સ બેંકના વરદ હસ્તે ફ્લેગઓફ આપી જિલ્લાની પ્રથમ બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ તકે લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ એન ગુંદરાણીયા એ જણાવ્યું હતું કે, રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજીની રોમાંચક અને આકર્ષણથી ભરપુર માહિતીસભર અનેકવિધ આકર્ષિત ગેલેરીઓ આવેલી છે. આથી ગુજરાત સાયન્સ સીટી અને રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક તેમજ વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વધારવામાં મદદરૂપ બની રહેશે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં શહેરી તેમજ 6 તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ સહીત કુલ 60 શાળાઓનો સમાવેશ થશે ભાવનગર માટે 30 બસ એમ કુલ 60 બસ દ્વારા 2800 વિદ્યાર્થીઓ અને 180 શિક્ષકોને આ સાયન્સ ટુર વિનામૂલ્યે ગુજરાત એસ.ટી.નિગમની બસ દ્વારા જિલ્લાના ધર્મભક્તી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મારફત કરાવવામાં આવશે.