હિમવર્ષા અને બરફના ભયાનક તોફાનને કારણે 60 ટકા ક્ષેત્રો ‘ચેતવણી’ હેઠળ
વિમાનો રદ થતા એરપોર્ટ પર અંધાધૂંધી: કેનેડા અને મેક્સિકો બોર્ડર પર પણ અત્યંત ખરાબ હાલત
- Advertisement -
ક્રિસમસની ઉજવણી ટાણે જ અમેરિકનોને ઘરમાં કેદ રહેવું પડે તેવી હાલત સર્જાય છે. બરફના ભયાનક તોફાનને કારણે 60 ટકા વસ્તી ભયાનક ઠંડીમાં સપડાય છે અને હાલત ગંભીર થવાની ચેતવણીને કારણે લોકો ભયભીત બન્યા છે. સતત બીજા દિવસે 5000 ફલાઈટો રદ કરી દેવામાં આવી હતી. અમેરિકામાં તાપમાન અસામાન્ય રીતે નીચે સરકી જતા કાતિલ ઠંડીનો સપાટો છે.
હીમવર્ષા વચ્ચે બરફનું ભયાનક તોફાન સર્જાતા સમગ્ર દેશમાં હાડ થીજાવતી ઠંડીની હાલત સર્જાય છે. ઉત્તરીય ભાગોમાં અનેક સ્થળોએ તાપમાન માઇનસથી અનેક ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. બરફના તોફાનથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. 60 ટકા લોકોને હવામાનની ચેતવણીનો સામનો કરવાની ફરજ પડી છે. અમેરિકાના હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે દેશના 20 કરોડ લોકો ચેતવણી ક્ષેત્રમાં વસવાટ કરી રહયા છે. હીમવર્ષા અને બરફના તોફાનને કારણે રેકોર્ડબ્રેક ક્ષેત્રો માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
ખરાબ હવામાનને કારણે 14 લાખ ઘરો અને ઇમારતોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. કલાકો સુધી લોકોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા લોકોને વીજળીની કરકસર કરવાની સૂચના આપવામાં આવી છે. અમેરિકામાં સતત બીજા દિવસે 5000થી વધુ ફલાઈટો રદ કરવામાં આવી હતી જેને પગલે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે વેકેશન પર જતા હજારો લોકો એરપોર્ટ પર જ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. વર્તમાન ખરાબ હવામાનમાં તાત્કાલીક કોઇ રાહત મળવાની શક્યતા પણ નકારવામાં આવી રહી છે.
- Advertisement -
બીજી તરફ બરફનું તોફાન અમેરિકાની એક સરહદથી બીજી સરહદ સુધી પસાર થયું હતું જેને કારણે કેનેડામાં પણ વિમાની ઉડ્ડયનોને મોટી અસર થઇ હતી. વેસ્ટ જેટે ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફલાઈટો કેન્સલ કરી નાખી હતી. આ સિવાય મેક્સિકોની અમેરિકી બોર્ડરે પણ ભયાનક આંધીને કારણે સેંકડો અપ્રવાસી ઠંડીમાં ઠુંઠવાયા હતા. આ લોકોને અમેરિકામાં પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટના ચૂકાદાની પ્રતિક્ષા છે. કોરોનાને કારણે 2020થી અમેરિકામાં આશ્રય આપવા પર પ્રતિબંધ હોવાનું અત્રે ઉલ્લેખનીય છે.