સાતમાંથી ફક્ત એક જ સિટી એન્જિનિયર કાર્યરત: ભરતી પ્રક્રિયાથી વિકાસ કામોને વેગ મળશે
નવા ચહેરાઓ આવશે કે જુના જોગીઓ?, ભલામણોનો માહોલ ચર્ચાઈ રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ મહાનગરપાલિકામાં સિટી એન્જીનિયરની કુલ સાતમાંથી છ જગ્યાઓ ખાલી પડી હોવાને કારણે હાલ ઇજનેરી કામોમાં સેનાપતિ વગરના લશ્કર જેવી હાલત થઈ ગઈ છે. બજેટમાં દર્શાવેલા વિકાસકામોના અનેક પ્રોજેક્ટના ટેન્ડર પણ આવા કારણે જ અટકી ગયા છે. તાજેતરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (મહેકમ) મનષ ગુરવાની (ઈંઅજ)એ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, જેના અંતર્ગત સિટી ઇજનેરોની ખાલી પડેલી છ જગ્યા ભરવા 16-07-2025ના રોજ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના અંતર્ગત 26-08-2025ના રોજ, મંગળવારે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે. આ છ જગ્યાઓ માટે 16 થી 30 જુલાઈ દરમિયાન ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. હવે આ તમામ જગ્યાઓ માટે 26 ઑગસ્ટે ઇન્ટરવ્યુ યોજાશે. હવે જોવાનું એ છે કે ખાલી પડેલી જગ્યાઓ પર નવા ચહેરાઓ પસંદ થાય છે કે પછી જુના જોગીઓ ફરી મેદાન મારી જાય છે. ખાસ કરીને ઇન્ટરવ્યુ પહેલાંથી જ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર ભલામણોનો માહોલ શરૂ થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
સિટી એન્જીનિયર સ્પેશિયલ – 2 જગ્યા (1 અનામત, 1 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનામત)
એક્ઝિક્યુટિવ એન્જીનિયર – 1 જગ્યા (અનામત)
એડિશનલ સિટી એન્જીનિયર – 2 જગ્યા (અનામત)
પ્રોફેશનલ સિટી એન્જીનિયર (મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ) – 1 જગ્યા (અનામત)



