ફાયરબ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો
કંપનીમાં ફાયર સેફ્ટીને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં વર્ષ 2022ની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના રવિવારે મધરાતે દહેજમાં ઘટી છે. દહેજ ફેઝ 3માં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડિસ્ટીલેશન સ્પેન્ટ સોલ્વન્ટ રીકવર કરતી વેળા પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળતા 6 કામદારો તેમાં બળીને ભડથું થયા હતા.
ભરૂચ જિલ્લામાં આકરી ગરમી વચ્ચે ઉનાળો જિલ્લાવાસીઓ સાથે ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીમાં કામ કરતા કામદારો માટે પણ જોખમી પુરવાર થતો હોય છે. આકરી ગરમીમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટનું પ્રમાણ જોખમી કેમિકલ્સના લીધે વધી જાય છે.
- Advertisement -
વર્ષ 2022ની મોટી ઔદ્યોગિક હોનારત દહેજ ઔદ્યોગિક વસાહતમાં સર્જાઈ છે. રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને પગેલે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં છે. જ્યારે એક કામદારનો હજી સુધી કોઇ પત્તો ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુ:ખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.