ઓઝત નદીમાં ઘોડાપુર: ઓઝત-2 ડેમનાં 4 દરવાજા ખોલાયા
સાબલી, આંબાજળ ડેમ ઓવરફ્લો થયા: નીચાણવાળા ગામને એલર્ટ કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં બે દિવસ સામાન્ય વરસાદ પડ્યો હતો. બાદ ગઇરાત્રીનાં જૂનાગઢ જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી હતી. રાત્રીનાં 12 વાગ્યાથી લઇને બપોરનાં 12 વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે મેંદરડામાં 3 ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત જૂનાગઢ, કેશોદ, વંથલીમાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. ઓઝત નદીમાં ધોડાપુર આવ્યું હતું. ઓઝત નદી ઉપર આવેલો જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત – 2નાં 4 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. તેમજ સાબલી,આંબાજળ ડેમ પણ ઓવરફલો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લામાં સોમવાર અને મંગળવારનાં વરસાદનું જોર ઘટ્યું હતું. બે દિવસ સામાન્ય વરસાદ થયો હતો. પરંતુ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં મંગળવારનાં દિવસે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. મંગળવારની રાત્રીથી વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીનાં મેઘસવારી આવી પહોંચી હતી અને જૂનાગઢ જિલ્લામાં એક ઇંચથી લઇ 6 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. છેલ્લા 12 કલાકમાં જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં 6 ઇંચ વરસાદ થયો હતો. જયારે મેંદરડામાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત કેશોદ,જૂનાગઢ શહેર અને વંથલીમાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. ભેંસાણમાં દોઢ ઇંચ અને માણાવદર, માળિયામાં એક-એક ઇંચ વરસાદ થયો હતો.
માંગરોળમાં માત્ર 9 મીમી વરસાદ નોંધાયો હતો. વિસાવદર અને ગિરનાર જંગલમાં વરસાદ થતા ઓઝત નદીમાં પુર આવ્યું હતું. ઓઝત નદી ઉપર આવેલા મોટાભાગનાં ડેમ ફરી ઓવરફ્લો થયા હતાં. તેમજ ઓઝત નદી ઉપર આવેલો જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત-2માં પાણીની આવક થતા 4 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ઓઝત-2 ડેમમાંથી 7303.14 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખોરાસા(આહીર)પાસે આવેલા સાબલી ડેમનાં 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં હતાં અને 1169 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઓઝત શાપુર વિયર ડેમ 2.50 મીટરથી ઓવરફલો થયો છે. વિસાવદરમાં આવેલા આંબાજળ ડેમનો એક દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાનાં ડેમ ઓવરફલો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે.
- Advertisement -
ગીર ગઢડામાં 4 ઇંચ, કોડિનાર અને સુત્રાપાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં પણ રાત્રીનાં વરસાદ થયો હતો. તેમજ બપોરનાં 12 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ વરસાદ પડી ગયો હતો. કોડીનાર, સુત્રાપાડામાં 3-3 ઇંચ વરસાદ થયો હતો. ઉના અને તાલાલામાં અઢી ઇંચ વરસાદ થયો હતો અને વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 57.93 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં સિઝનનો કુલ 90.52 ટકા વરસાદ થયો છે.