એલસીબીએ મોરબીમાંથી ચોરીનો માલ રાખનાર સહિત છને ઝડપી રૂ.4.90 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો; બે ગુનાનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
- Advertisement -
હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મૂકેલી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી આંતર-જિલ્લા ગેન્ગના ત્રણ સભ્યો અને ચોરીનો માલ રાખનાર સહિત કુલ છ આરોપીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 4.90 લાખનો મુદ્દામાલ રિકવર કરીને હળવદના ચોરીના બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે.
હળવદના સુસવાવ ગામની સીમમાંથી ખેડૂતોની કુલ 12 મોટરોની ચોરીની બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબી માળિયા ફાટક પાસે નસીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં બોલેરો ગાડીમાં ઇલેક્ટ્રિક મોટરો તોડીને તેમાંથી નીકળેલ તાંબાના વાયરનો ભંગાર વેચવાની પેરવી થઈ રહી છે.
બાતમીના આધારે રેડ કરતા એલસીબી ટીમે મોટર ચોરી કરનાર કરણ ટોળિયા, રોહિત ઝંઝુવાડિયા, અને સાગર પરમાર (રહે. મોરબી-2) ને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત, ચોરીનો માલ રાખનાર મંજુરહુસેન ખુરેશી, હરીલાલ ગુર્જર અને જાવેદ સિપાઈ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તોડી પાડવામાં આવેલ 12 મોટરોનો સામાન અને બોલેરો ગાડી મળીને કુલ રૂ. 4,90,000નો મુદ્દામાલ કબજે લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.



