-રાત્રીના 11.47 કલાકે પશ્ચીમી નેપાળના જાજરકોટમાં વ્યાપક નુકશાન: અનેક દબાયા: સેના પણ રાહત કાર્યમાં જોડાઈ
કાઠમંડુ: નેપાળમાં મધરાત પુર્વે રાત્રીના 11.47 કલાકે 6.4ની તિવ્રતા સાથે આવેલા ભૂકંપથી જબરી તબાહી મચી ગઈ છે અને અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે તથા હજું વધુ લોકો મકાનો સહિતના કાટમાળ હેઠળ દબાયેલા હોવાનું તથા મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું માનવામાં આવે છે જેના કારણે મૃત્યુઆંક વધુ ઉંચો જઈ શકે છે. નેપાળના આ ભૂકંપની અસર દિલ્હી, બિહાર સહિતની ઉતર ભારતના અનેક ક્ષેત્રોમાં ધ્રુજારી અનુભવવામાં આવી હતી.
- Advertisement -
જો કે ભારતમાં કોઈ જાનમાલ નુકશાનીના અહેવાલ નથી. નેપાળનો ભૂકંપ કચેરીના જણાવ્યા મુજબ આ ભૂકંપનું ભૂમિબિન્દુ નેપાળના જાજરકોટમાં હતું અને ત્યાં જ સૌથી વધુ નુકશાન થયું છે. એકલા જાજરકોટમાં જ 92 લોકોના મોત થયા છે. જાજરકોટ નેપાળનો પહાડી જીલ્લો છે અને અંદાજે 19000 લોકો અહી રહે છે. નાના નાના ગામના ઝુમખામાં લોકો રહે છે. નેપાળ ભૂકંપ માપક કચેરીના જણાવ્યા મુજબ 6.4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે જર્મની અને અમેરિકી ભૂકંપ માપક કચેરીમાં આ આંચકો 5.6 થી 5.7નો હોવાનું દર્શાવ્યું હતું.
નેપાળના વડાપ્રધાન પુષ્યકમલ દહલ પ્રચંડ મેડીકલ ટીમ સાથે ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં જવા રાત્રીના 3 વાગ્યે જ રવાના થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂકંપમાં મૃતકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા ભારતની તમામ મદદની ખાતરી આપી હતી તો બીજી બાજુ નેપાળની સેના પણ રાહત-બચાવમાં જોડાઈ છે. જાજરકોટ એ નેપાળના પશ્ર્ચીમી ક્ષેત્રમાં આવેલું છે અને દુર્ગમ માર્ગો પરથી જવું પડે છે. ભૂકંપનો આંચકો એટલો તિવ્ર હતો કે કાચા-પાકા મકાનો સેકન્ડોમાં ધસી પડયા હતા. આ આંચકા કાઠમંડુ અને તેની આસપાસ પણ લાગ્યા હતા.