મંત્રી ભાનુબેન બાબરીયાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજકી-શાપર રોડનું થશે રિસરફેસિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક ઝોનને જોડતા રોડ-રસ્તાઓની બિસ્માર હાલત સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 8.80 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સમક્ષ ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા આ ખરાબ રસ્તાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઔદ્યોગિક વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી સ્થાનિકો અને ઉદ્યોગોને ભારે મુશ્કેલી પડતી હતી.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના મતવિસ્તારના પ્રજાજનોની સુરક્ષા અને સરળતાને ધ્યાને લઈને આ બાબત સત્વરે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને મૂકી હતી.
6.20 કિ.મી.ના રોડનું નવીનીકરણ: વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે ગ્રામ્ય રસ્તાઓને પાકા ડામરથી જોડવાનો નિર્ધાર કર્યો છે. આ નીતિના ભાગરૂપે, ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજકી-શાપર રોડના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે *6.20 કિ.મી.*ના રોડના નવીનીકરણ માટે રૂ. 8.80 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ નવીનીકરણના કામોમાં માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળાકામ, કોઝ-વે, સી.સી. રોડ અને પ્રોટેકશન વોલ સહિતની જરૂરી આનુષંગિક કામગીરી કરવામાં આવશે.
આસપાસના ગ્રામજનોને લાભ: રાજકોટને જોડતા આ માર્ગોના નવીનીકરણની મંજૂરી મળતા શાપર-વેરાવળ, રાજકી, ખાંભા, માખાવાડ, હરીપર-તરવડા તેમજ મેટોડાના ઇન્ડસ્ટ્રીયલ ઝોન સહિત આસપાસના ગ્રામજનોને મોટો લાભ મળશે. આ રસ્તાઓના નવીનીકરણથી ઔદ્યોગિક વિકાસની સાથે સાથે સામાન્ય લોકો માટે રોજગારી અને આધુનિક સુવિધાઓમાં પણ વધારો થશે.
આ મંજૂરી બદલ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સમગ્ર ગ્રામજનો વતી માન. મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.