અઠવાડિયામાં 3 દિવસ રાજકોટથી ઉડાન ભરશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એરપોર્ટ પર એક સાથે 2 નહિ 6 ફ્લાઈટ પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા શરુ થતાની સાથે જ હવે નવી ફ્લાઈટ પણ શરુ થઇ રહી છે. રાજકોટથી દિલ્હી માટેની પાંચમી ફ્લાઈટ આગામી 30 જુલાઈથી ઉડાન ભરશે. જો કે આ ફ્લાઇટ દૈનિક નહિ પરંતુ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા મુજબ આગામી 30 જુલાઈથી રાજકોટથી દિલ્હીની પાંચમી ફ્લાઈટ ઉડાન ભરવાની છે. અત્યારે રાજકોટથી દિલ્લી જવા માટે સવાર બપોર અને સાંજ મળી કુલ 4 ફ્લાઇટ કાર્યરત છે જયારે હવે નવી શરૂ થનાર પાંચમી ફ્લાઈટ ઈન્ડીગોની દિલ્હી માટેની રાજકોટ એરપોર્ટ પર દરરોજ સાંજે 6.25 વાગ્યે પહોચશે અને 6.55 વાગ્યે રાજકોટથી ટેકઓફ થશે. આ ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ જ ઉડાન ભરશે.
હાલ રાજકોટથી દિલ્હી માટે ચાર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે જેમાં સ્પાઈસ જેટની દૈનિક ફ્લાઈટ સવારે અને સાંજે 08.05 વાગ્યે, ઈન્ડીગોની સવારે 9.45 વાગ્યે અને એર ઇન્ડિયાની બપોરે 3.20 વાગ્યે ઉડાન ભરી રહી છે. અને હવે આગામી 30 જુલાઈથી પાંચમી ફ્લાઇટ શરૂ થનાર છે.