ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ મહિના બાકી બચ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં 57 નેતાઓએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ ગ્રામ્ય, જસદણ, જેતપુર, ગોંડલ તેમજ ધોરાજી મળીને કુલ પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે 57 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય બેઠક ઉપર ચૂંટણી લડવા માટે 15 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે નવ જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. જેતપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે નવ જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે.જ્યારે કે જસદણ વિછીયા વિધાનસભા માટે ચૂંટણી લડવા માટે 16 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા માટે આઠ જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ત્યારે અત્યાર સુધીમાં જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે તેમના નામ પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે. હજુ આજે સાંજ સુધી નેતાઓ દાવેદારી નોંધાવી શકે છે તેમજ આવતીકાલે પ્રદેશ કક્ષાએ તમામ દાવેદારોના નામ મોકલી આપવામાં આવશે.