ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીની રજાના દિવસોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદ્યુમન પાર્ક ઝુમાં 55805 અને રામવનમાં 13100 લોકો ઉમટયા હતા તેમાં તા. 13ના ધોકાના દિવસે 12564 અને નવા વર્ષે 16851 લોકો ઝુમાં પહોંચતા પાંચ દિવસમાં મનપાને 14.47 લાખની આવક થઇ હતી.
આ વર્ષે તા.12-11- થી તા.16-11 દરમ્યાન કુલ 55805 મુલાકાતીઓએ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધી હતી. તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઝૂ ખાતે 11 માસ પહેલા જન્મ થયેલ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે.
તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધ અર્બન ફોરેસ્ટ રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવતા તા.14 થી તા.16 સુધીમાં કુલ 13100 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
રામ વન અર્બન ફોરસ્ટ ખાતે પ્રાકૃતિક સોંદર્યને ધ્યાનમાં રાખીને વનનું નિર્માણ કરવામાં આવેલ છે. શહેરીજનો માટે તહેવારોને ધ્યાનમાં રાખીને હરવા-ફરવા માટે એક ઉત્તમ સ્થળ રામ વન બની રહ્યું છે.
રજામાં પ્રદ્યુમન પાર્કમાં 55805 અને રામવનમાં 13100 લોકોએ મુલાકાત લીધી
