સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 નંગ નવી મીની ટીપરવાન ખરીદાશે
50 લાખથી ઉપરના કામોનું થશે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન
- Advertisement -
આજ રોજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અધધધ રૂા. 55,80,54,233 કરોડના વિકાસના કામોને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે લીલીઝંડી આપી હતી. સ્ટેન્ડિંગમાં 63 જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. જેમાં નવા બ્રિજ, મવડીમાં કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ, ટીપરવાન, ગો-ગ્રીન યોજના, પેવર કામ, ડ્રેનેજ કામ સહિતની મહત્ત્વની દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે.
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 જેટલી દરખાસ્તોને મંજૂરી મળી છે. જેમાં શહેરમાંથી કચરો ઉપાડવા માટે વધુ 50 ટીપરવાન ખરીદવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેનો કુલ ખર્ચ રૂા. 5,99,50,000 છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી માટે જીઈએમ મારફતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 ક્યુબિક મીટર ક્ષમતાના 50 નંગ મીનીટીપરની ખરીદી કરવામાં આવશે. હાલમાં શહેરમાં 534 ટીપરવાન છે જેમાં 112 ટીપરવાન ભંગાર હાલતમાં, 82 ટીપર સ્પેરમાં, 343 ટીપર કાર્યરત અને હવે વધુ 50 નંગ મીની ટીપર ખરીદ કરવામાં આવશે.
વધુમાં રાજકોટ શહેરમાં ચાલતા જુદા-જુદા રસ્તા ડેવલપમેન્ટના કામે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન (ટી.પી.આઈ.)ની નિમણુંક કરવા અંગે દરખાસ્ત મૂકવામાં આવી છે. સ્વર્ણિમ ગુજરાત યોજના હેઠળ 50 લાખથી ઉપરના કામ હશે તેનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવામાં આવશે તથા રોડ રસ્તાઓ માટે જૂની ડેલ્ટ ક્ધસલ્ટીંગ એજન્સી અમદાવાદને 2020માં કામ આપવામાં આવ્યું હતું ત્યારે એ જ ભાવથી ભરી રોડ રસ્તાની કામગીરી કરવા દરખાસ્ત કરી હતી પરંતુ જે રીતે શહેરમાં સમય મર્યાદા પહેલા રસ્તાઓ તૂટી રહ્યા છે જેના કારણે આ એક જ એજન્સીને કામ સોંપી જૂના ભાવથી જ કામ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. આ ઉપરાંત શહેરમાં કરોડોના વિકાસના કામોને લીલીઝંડી મળી છે.
- Advertisement -
આ ઉપરાંત મવડીમાં નવા બનનારા સ્પોર્ટસ સંકુલ માટેના ટેન્ડરને બહાલી આપવામાં આવી છે. ઢોર ડબ્બાના પશુઓનું સંચાલન પણ અલગ-અલગ બે સંસ્થાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તથા અલગ-અલગ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, ડ્રેનેજ લાઈન તેમજ પાણીની લાઈન સહિતના કામોને બહાલી અપાઈ છે.
ક્યા કામ માટે કેટલી રકમની ફાળવણી?
પેવિંગ બ્લોક રૂા. 2,79,49,710
પાઈપલાઈન રૂા. 1,39,51,650
પાઈપ ગટર રૂા. 2,72,37,096
ડી.આઈ. પાઈપલાઈન રૂા. 1,96,09,912
વાહન ખરીદી રૂા. 6,35,05,000
કમ્પાઉન્ડ વોલ રૂા. 57,90,144
ગૌશાળા સંચાલન- સહાય રૂા. 2,92,00,000
કાર્યક્રમ ખર્ચ રૂા. 2,73,920
ડ્રેનેજ કામ રૂા. 44,04,400
આંગણવાડી રૂા. 19,64,912
કેમિકલ ખરીદી રૂા. 3,00,000
સ્પોર્ટસ સંકુલ રૂા. 22,33,62,573
આરોગ્યલક્ષી સેવા રૂા. 12,00,000
સ્મશાન ગ્રાન્ટ રૂા. 6,00,000
બ્રીજ કામ રૂા. 13,00,05,000
મેનપાવર સપ્લાય રૂા. 70,58,000
તબીબી આર્થિક સહાય રૂા. 16,41,916
આમ કુલ ખર્ચ રૂા. 55,80,54,233