16 ફેબ્રુઆરીએ રમાશે પહેલો મેચ: બંગાળ સરકારે સ્ટેડિયમની ક્ષમતાના 70% દર્શકોને એન્ટ્રીની છૂટ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કોલકત્તામાં 16 ફેબ્રુઆરીથી રમાનારી ટી-20 શ્રેણી માટે બંગાળ સરકારે સ્ટેડિયમમાં ક્રિકેટરસિકોને પ્રવેશવાની પરવાનગી આપી દીધી છે. 3 ટી-20 મેચની શ્રેણીનો પહેલો મેચ 16 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે બાકીના બન્ને મેચ પણ અહીં જ રમાશે. બંગાળ સરકારે રમત-ગમતને લઈને જાહેર કરેલા જાહેરનામામાં 75% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. આવામાં ઈડન ગાર્ડન્સમાં 50 હજાર દર્શકો મેચનો આનંદ માણી શકશે.
રાજ્ય સરકાર દ્વારા કહેવાયું કે તમામ ઈન્ડોર અને આઉટ ડોર સ્પોર્ટસમાં 75% દર્શકોને આવવાની છૂટ રહેશે. આ સંખ્યા સ્ટેડિયમની ક્ષમતા અનુસાર નક્કી કરવાની રહેશે. આ પહેલાં પાછલા વર્ષે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે ટી-20 શ્રેણીના ત્રીજા મેચ માટે બંગાળ સરકારે 70% દર્શકોને એન્ટ્રી માટે મંજૂરી આપી હતી. બંગાળ સરકાર દ્વારા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે દર્શકોને એન્ટ્રી આપવા પર ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અભિષેક ડાલમીયાએ બંગાળ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
- Advertisement -
વિન્ડિઝના ભારત પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને ટી-20 શ્રેણી સાથે પૂરી થશે. પહેલાં 3 ટી-20 મેચની શ્રેણી અને વન-ડે મેચની શ્રેણી અલગ-અલગ શહેરોમાં રમાવાની હતી મતલબ કે 6 શહેરોમાં મેચ રમાવાના હતા પરંતુ કોરોનાને પગલે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને બે શહેરો સુધી મર્યાદિત કરી દેવાયો છે.
વન-ડે શ્રેણીના મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6,9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે જ્યારેટી-20 શ્રેણીના મેચ 16,18,20 ફેબ્રુઆરીએ કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.


