તાજેતરમાં, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. Unveiling the Silent Struggle નામનો આ અહેવાલમાં દેશભરની 13 લાખ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યના ડેટા પર આધારિત છે.
આજના સમયમાં, ખરાબ માનસિક સ્વાસ્થ્ય એક મોટી સમસ્યા બની ગયું છે. મહિલાઓ પણ તેનો શિકાર થઈ રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, ભારતમાં આત્મહત્યા કરનારા લોકોમાં 36.6% મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની 18-39 વર્ષની વયની યુવતીઓ છે. આમ છતાં, સમાજમાં માનસિક સ્વાસ્થ્યને લઈને ફેલાયેલા ભય અને કલંકને કારણે મહિલાઓ સારવાર લેવાનું ટાળી રહી છે. એમ્પાવરના સર્વેમાં ખુલાસો થયો કે મહિલાઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં ડરે છે જેથી તેમની કારકિર્દી પર અસર ન પડે. આ ઉપરાંત, જાતીય સતામણી, ઘરેલુ હિંસા અને વર્ક-લાઇફ બેલેન્સને કારણે પણ મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના એમ્પાવર સંગઠને “Unveiling the Silent Struggle” નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો. આ રિપોર્ટ દેશભરની 13 લાખ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યના ડેટા પર આધારિત છે. આમાં કોલેજની વિદ્યાર્થિનીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ, ગ્રામીણ મહિલાઓ અને સશસ્ત્ર દળોમાં સેવા આપતી મહિલાઓના માનસિક પડકારો વિશે જણાવવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાના ઘણા કારણો છે.
50% સ્ત્રીઓ વર્ક-લાઇફ બેલેન્સ, આર્થિક દબાણ અને સામાજિક અપેક્ષાઓને કારણે તણાવમાં રહે છે. 47% સ્ત્રીઓને અનિદ્રાની સમસ્યા છે, ખાસ કરીને 18-35 વર્ષની વય જૂથની સ્ત્રીઓ ઊંઘની સમસ્યા સામે લડી રહી છે. 41% સ્ત્રીઓ ભાવનાત્મક રીતે એકલતા અનુભવે છે. 38% વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓ કરિયર ગ્રોથ અને નાણાકીય સ્થિરતા અંગે ચિંતિત રહે છે.
કોર્પોરેટ જગતમાં કામ કરતી મહિલાઓ
- Advertisement -
42% સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્ગઝાઈટીના લક્ષણો જોવા મળ્યા. 80% સ્ત્રીઓને મેટરનીટી લિવ અને કરિયર ગ્રોથમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. 90% સ્ત્રીઓનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની તેમના કાર્ય પ્રદર્શન પર અસર પડે છે.
ગ્રામીણ મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય
મહારાષ્ટ્ર સરકાર સાથે પ્રોજેક્ટ સંવેદના હેઠળ હાથ ધરવામાં આવેલા 12.8 લાખ ગ્રામીણ મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે તેઓ નાણાકીય અસ્થિરતા, સામાજિક કલંક અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓના અભાવને કારણે ગંભીર ડિપ્રેશન અને એન્ગઝાઈટીથી પીડાઈ રહી છે.
18-35 વર્ષની યુવતીઓનું માનસિક સ્વાસ્થ્ય
મુંબઈ – શૈક્ષણિક તણાવ અને કોર્પોરેટ બર્નઆઉટ સૌથી વધારે છે.
દિલ્હી – સુરક્ષા ચિંતાઓ અને સતામણીને કારણે PTSD અને એન્ગઝાઈટીની સમસ્યાઓ વધુ છે.
કોલકાતા – મજબૂત સામાજિક નેટવર્ક્સ હોવા છતાં, મહિલાઓ માનસિક સ્વાસ્થ્ય સેવાઓથી ઘણી દૂર છે.
આ પણ વાંચો: બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે પીવડાવો પાંચ પ્રકારના ફ્રુટ અને વેજીટેબલ જ્યુસ
દવાઓથી મટાડી શકાય છે આ બીમારી
એમ્પાવર સેન્ટરના દિલ્હી પ્રમુખ અને મનોચિકિત્સક ડૉ. અંકિત ગૌતમને ટાંકીને અહેવાલમાં જણાવાયું કે ઘણીવાર મહિલાઓને હતાશા, ચિંતા, અનિદ્રા, વ્યક્તિત્વ વિકૃતિઓ, સંબંધોના પડકારો અને વૈવાહિક મતભેદો જેવા ગંભીર પડકારોનો સામનો કરવો પડે છે. વ્યક્તિની જરૂરિયાતોને આધારે માનસિક વિકૃતિઓને દવાઓ, મનોરોગ ચિકિત્સા અથવા બંનેના મિશ્રણથી અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. તણાવ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે.
સારી ઊંઘ અને યોગની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા
આજે દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ તણાવનો ભોગ બની રહી છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. મહિલાઓને યોગ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, ધ્યાન, સંતુલિત આહાર, સારી ઊંઘ અને મજબૂત સામાજિક સમર્થનની જરૂર છે. આ ઉપરાંત, જે મહિલાઓ તણાવ, ડિપ્રેશન અને એન્ગઝાઈટી જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેમને સમય સમય પર મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.