– ત્રણ વર્ષ પહેલા કોવિડનો પ્રારંભ ચીનથી થયા બાદ યુરોપમાં સૌપ્રથમ સંક્રમિત ઇટલી બન્યું હતું
– નવા વર્ષની ઉજવણી પૂર્વે ચીનથી વિદેશ જનારાઓની સંખ્યામાં 5 થી 8 ગણો વધારો: અમેરિકા સહિતના દેશો હવે ચીનથી આવતા પ્રવાસીઓ માટે નિયંત્રણો મુકે તેવી શક્યતા
- Advertisement -
વિશ્વભરમાં ફરી એક વખત કોરોના સંક્રમણનું સંકટ તોળાઈ રહ્યું છે તે વચ્ચે કોરોનાના હબ ગણાતા ચીને તેની સીમાઓ ફરી ખોલી છે અને આંતરિક રીતે પણ ચીનમાં નવા વર્ષની ઉજવણી માટેના તમામ નિયંત્રણો લગભગ હળવા કરી નખાયા છે તે સમયે ચીનથી અન્ય દેશોમાં જતા પ્રવાસીઓ કોરોનાનું વહન કરીને 2019ની પેટર્નથી જ વિશ્વમાં કોરોના ફેલાવે તેવી દહેશત નજરે ચડી રહી છે.
ચીનથી ઇટલી પહોંચેલી એક ફલાઈટના અર્ધાથી વધુ મુસાફરો કોરોના સંક્રમિત જાહેર થતા જ ઇટલીમાં પણ જબરો હડકંપ મચી ગયો છે અને હવે ઇટલી દ્વારા ચીન સાથેની વિમાની સેવાઓ વગેરે પર પ્રતિબંધાત્મક આદેશો લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. 2019માં પણ ચીન બાદ કોરોના યુરોપમાં સૌ પ્રથમ ઇટલી પહોંચ્યો હતો અને ત્યાંથી અમેરિકા અને લેટીન અમેરિકન દેશો અને બાદમાં એશિયામાં ભારત સહિતના દેશો સુધી કોરોનાનું સંક્રમણ આગળ વધ્યું હતું તથા કરોડો લોકો સંક્રમિત બન્યા હતા અને લાખો મૃત્યુ પામ્યા હતા.
તે વચ્ચે ચીન અને ઇટલીનું આ કોરોના કનેકશન ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ચીનના બીજીંગથી ઇટલીના મિલાન પહોંચેલી બે ફલાઈટમાં મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ મળી આવ્યા છે જેમાં એક ફલાઈટમાં 92માંથી 35 અને બીજી ફલાઈટમાં 120માંથી 62 મુસાફરો કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થતા ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને આ સંખ્યા પરથી ચીનમાં કોવિડ કેટલો ફેલાયો હશે તેનો પણ અંદાજ આવી જાય છે.
- Advertisement -
ચીને એક તરફ કોરોના સાથે જીવવાની નવી સ્ટાઇલ અપનાવીને કોવિડ ખતરાને ‘એ’ રેટીંગમાંથી ‘બી’ રેટીંગમાં મુક્યું છે અને તેનાથી વિદેશથી આવતા કોઇપણ પ્રવાસીને ચીનમાં ક્વોરન્ટાઇન થવું નહીં પડે. ચીનમાં આગામી વર્ષેે લુનારનું નવું વર્ષ શરુ થઇ રહ્યું છે અને લાખો ચાઈનીઝ વિદેશ પહોંચશે.
ટ્રાવેલ કંપનીઓના ડેટા અનુસાર ચીને આ ઢીલાશ આપ્યા બાદ આંતરરાષ્ટ્રીય બુકીંગમાં 5 થી 8 ગણો વધારો થયો અને ચીનથી થાઈલેન્ડ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા ભણી જવા માટે બુકીંગ વધ્યું છે પરંતુ અમેરિકા સહિતના દેશો હવે ચીનથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત અને તે પણ વિમાનમાં પ્રવાસ કરતા સમયે આપવાનો જરુરી બનાવશે.
વિશ્વમાં ફરી 5 લાખથી વધુ કેસ: જાપાનમાં તાંડવ: 415ના મોત
ચીનમાં કોરોનાના સાચા આંકડા જાહેર થતા નથી પરંતુ વિશ્વમાં ફરી કોરોના તાંડવ સર્જાવા લાગ્યો હોય તેમ આજે પાંચ લાખથી વધુ કેસ નોંધાયા હતા. વર્લ્ડોમીટર વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે 5.39 લાખથી વધુ કેસ હતા. જાપાનમાં હાહકાર હોય તેમ 2.16 લાખ નવા કેસ સામે 415ના મોત થયા હતા. બ્રાઝીલમાં 37104 કેસ અને 337 મોત, જર્મનીમાં 40810, કોરીયામાં 87000, ફ્રાંસમાં 26000, તાઈવાનમાં 28168 તથા હોંગકોંગમાં 20865 કેસ નોંધાયા હતા.